વેનેઝુએલામાં પોલીસ અટકાયત કેન્દ્રમાંથી કેદીઓએ કરેલા ભાગવાના પ્રયાસમાં લાગેલી આગમાં ૬૮ જણા માર્યા ગયા હતા, એમ કેદીઓના મનવાધિકાર માટે કામ કરતી સંસ્થાના વડાએ કહ્યું હતું. કારાબોબો અટકાયતી કેન્દ્રમાં લાગેલી આગ હમેંશા ભરચક રહેતી જેલમાં બનતી શ્રેણીબધ્ધ ઘટનાઓ પૈકીની એક હોવાનું દેશના ચીફ પ્રોસિક્યુટર તારિક વિલિયમ્સ સાબે ગઇ કાલે ટ્વિટર પર કહ્યું હતું.
‘મૂક્તિ માટેની બારી’ ઊના વેન્ટાના લા લિબરેટાના વડા કાર્લોસ નિએટોએ કહ્યું હતું કે જેલ તોડવાના પ્રયાસમાં ગાર્ડની બંદુક છીનવી અને ગાદી-તકીયાઓને આગ લગાડયા પછી કેટલાક અટકાયતીઓ આગમાં તો કેટલાક ગુંગણામણમાં માર્યા ગયા હતા. આગમાં બે મહિલાઓ પણ ગુજરી ગઇ હોવાનું મનાય છે જેઓ કોઇની મુલાકાતે આવી હતી.
કારાબોબો રાજ્યના ગવર્નર રાફેલ લાકાવાએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું, પરંતુ વધુ વિગતો આપી ન હતી. ‘ઘટનાના કારણો શોધવા અને આ અત્યંત દુઃખદ ઘટના માટેના જવાબદારોને સજા આપવા એક સમિતિની રચના કરાઇ હતી એમ તેમણે ટ્વિટર પર કહ્યું હતું.