૬૪ વર્ષ બાદ ચાઈનામેન કુલદીપે કરેલ નવી કમાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સિડની : કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ જોરદાર બોલિંગ કરીને આજે કેટલાક રેકોર્ડ પણ કરી લીધા હતા. ચાઈનામેન બોલરે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. આજે ચોથા દિવસે હેઝલવુડને આઉટ કરીને કુલદીપે આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં કુલદીપે ધરખમ દેખાવ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત આવું બન્યું છે જ્યારે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં વેસ્ટઇન્ડિઝની સામે રાજકોટમાં પણ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા માટે છેલ્લા ૬૪ વર્ષમાં પ્રથમ વખત બન્યું છે જ્યારે પ્રવાસી ટીમના કોઇ લેફ્ટ આર્મ સ્પીનરે ઓસ્ટ્રેલિયાની સામે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. આ પહેલા ઇંગ્લેન્ડના જાની વાડલેએ ૧૯૫૫માં સિડનીમાં ૭૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ૨૪ વર્ષના કુલદીપે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર છઠ્ઠા ભારતીય બોલર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કુલદીપે શનિવારના દિવસે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને પ્રથમ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ હેડ અને પેનીને આઉટ કર્યા હતા. આજે રવિવારના દિવસે ટેસ્ટ મેચના ચોથા દિવસે લિયોન અને હેઝલવુડને આઉટ કરીને પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. આ બંને બેટ્‌સમેનો એલબી આઉટ થયા હતા. આવતીકાલે બીજી ઇનિંગ્સમાં પણ આ ચાઈનામેન બોલરની બોલિંગ ઉપર મુખ્ય આધાર રહેશે. પ્રથમ ઇનિંગ્સની જેમ જ બીજી ઇનિંગ્સમાં પણ તેની પાસેથી જારદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જા વરસાદ વિલન નહીં બને તો ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં પણ જીત મેળવશે.

Share This Article