રોજ ૬૦૦ ટ્રાન્ઝેકશન અને પ મહિનામાં એકાઉન્ટ બંધ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  ૨૬૦ કરોડનું ફુલેકું ફેરવ્યા બાદ ઠગ્સ ઓફ ગુજરાત તરીકે કુખ્યાત થયેલા વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહના બેંક એકાઉન્ટની માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. સીઆઇડી ક્રાઇમે આજે આ દંપતિના બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવી લીધી છે. આ બેંક એકાઉન્ટના આધારે સીઆઇડી ક્રાઇમને શંકા છે કે, વિનય અને તેની પત્નીને ગમે ત્યારે ફસાઇ જવાનો અગાઉથી જ અણસાર આવી ગયો હતો. જેથી તેમણે બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપાડવાનું શરુ કરી દીધું હતુ.

સીઆઇડી ક્રાઇમની તપાસમાં આજે વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, વિનય શાહના આ બેંક એકાઉન્ટમાંથી દરરોજ ૬૦૦ જેટલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા અને ત્યારબાદ આ એકાઉન્ટ પાંચ મહિનામાં જ બંધ કરી દેવાયુ હતું. માત્ર એટલું જ નહીં, કૌભાંડી વિનય શાહે આર્ચર કેબ નામનું એકાઉન્ટ શરૂ કર્યાના પાંચ મહિનામાં જ બંધ કરી દીધું હતું. આ તમામ ઘટનાક્રમને પગલે હવે લેણદારોને લૂંટાયા હોવાનું ભાન થતાં ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન અને તપાસ એજન્સીના પગથિયા ઘસી રહ્યા છે. સીઆઇડી ક્રાઇમને અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી એક બેંકના એકાઉન્ટની ડીટેઇલ મળી છે. જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. આ ખાતું તેમણે તા.૧૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ ખોલાવ્યુ હતું અને તા.૨૫ સપ્ટેમ્બરના રોજ આ ખાતું બંધ થઇ ગયું હતું. તેની સાથે સાથે આર્ચરકેર નામના બેંક એકાઉન્ટમાં વર્લ્ડ ક્લેવરેકસ સોલ્યુશનના ખાતામાંથી રૂ.૨૫ લાખનુ ટ્રન્ઝેકશન કર્યું હતું. જ્યારે બીજા ૫૦ લાખ રુપિયા તા.૩૧ મેના રોજ ટ્રાન્સફર કર્યા હતા. આર્ચર કેરના ખાતામાં રોજ ૬૦૦ જેટલા ટ્રાન્ઝેકશન થતા હતા. જેમાંથી કુલ રૂ.૭૯ લાખ ૮૦ હજાર ટ્રાન્સફર કર્યા હોવાની પણ વિગતો સામે આવી છે. આર્ચર કેરના ખાતામાં છેલ્લું ટ્રાન્ઝેક્શન તા.૨૫ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ લાખથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ ડ્રાફ્‌ટથી કરવામાં આવ્યું હતું.

આ કૌભાંડને લઇ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ખુલ્યા બાદ તપાસ એજન્સીને જરુર જણાશે તો ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરશે. તેમજ જે ખાતામાં એન્ટ્રીઓ છે, તે તમામની ખરાઇ કરાવવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા હવે બેંક પાસેથી વિગત મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિનય શાહના કૌભાંડમાં થઇ રહેલા એક પછી એક ખુલાસાઓ જાતાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી માહિતી આવે તેવી પણ શકયતા તપાસનીશ એજન્સી વ્યકત કરી રહી છે.

 

Share This Article