ભાવનગરના પડવામાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વિરૂધ્ધ ‘વિરોધ પ્રદર્શન’ કરી રહેલા ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને 60 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી આ દરમિયાન 10 ખેડૂતો પણ ઘાયલ થયા હતા.
ભાવનગરના DSPએ આ મામલે જણાવ્યુ હતુ કે, 700 જેટલા પોલીસને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે અને 40 ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા છે પોલીસ અને ખેડૂતો વચ્ચે આ મામલે વાટાઘાટો ચાલી રહી છે.
આખી ઘટનાની વિગત એવી છે કે ભાવનગર અને ઘોઘા તાલુકાના ગામોમાં સંપાદિત જમીનનો કબ્જો મેળવવા માટે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે અને આ માટે ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ કાફલો તૈનાત કરાયો છે. ભાવનગર અને ઘોઘા તાલુકાના બાડી, હોઈદડ, મલેકવદર, પડવા, ખડસલિયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર સહિતના ગામોની જમીન ઘોઘા-સુરકા માઈન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. દ્વારા બે દાયકા અગાઉ સંપાદિત કરવામાં આવેલ હતી.
પરંતુ બાદમાં, કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની દ્વારા સંપાદિત જમીનનો કબ્જો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરંતુ જમીનનો કબ્જો મેળવવાની કંપનીની કાર્યવાહી સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આટલા વર્ષ આ જમીનનો કોઈ ઉપયોગ થયો નથી ત્યારે જમીન સંપાદન ૨૦૧૩ની જોગવાઈ મુજબ આ જમીન ખેડૂતોનો પરત મળવાપાત્ર છે. ખેડૂતો દ્વારા આ સંબંધે હાઈકોર્ટમાં પીટીશન પણ ફાઈલ કરવામાં આવેલ છે આમ છતાં, તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને ખેડૂતો પાસેથી કબ્જો લેવાના પ્રયાસ થઈ રહ્યા છે.