જાકાર્તાઃ ઈન્ડોનેશિયાના લોકપ્રિય પ્રવાસી સ્થળ લંબોક દ્વિપમાં ૬.૪ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે અને ૧૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. સવારે ૬.૪૭ વાગે આ આંકડો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર લંબોકના મતારામથી ૫૦ કિલોમીટર પૂર્વોત્તરમાં સ્થિત હતું.
આ વિસ્તારમાં વસ્તી ત્રણ લાખથી વધારે છે. લોકપ્રિય ગિલી દ્વિપ રિસોર્ટના પ્રવેશદ્વાર એવા પ્રવાસી વિસ્તારમાં ભૂકંપથી ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. અનેક ઈમારતો નાશ પામી છે. આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર સાત કિલોમીટર જમીનની નીચે હોવાથી અભૂતપૂર્વ નુકસાન ટળી ગયું છે. લંબોક ઈન્ડોનેશિયાના પ્રવાસી સ્થળ તરીકે છે અને રિસોર્ટ માટે ખૂબ જ લોકપ્રિય એવા બાલીથી ૧૦૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. ૬.૪ની તીવ્રતાનો પ્રચંડ આંચકો આવ્યા બાદ ૧૧થી વધુ આફ્ટરશોકના આંચકા અનુભવાયા હતા.
ઉત્તરીય લંબોકમાં આ ભૂંકપમાં ઓછામાં ઓછા બે ડઝન લોકો ઘાયલ થયા હતા. એક ઘરને પણ ભારે નુકસાન થયું હતું. ભૂકંપના કારણે ભેખડો ધસી પડવાની દહેશત પણ ઉભી થઈ છે. ભેખડો પડવાની દહેશતને ધ્યાનમાં લઈને હાઈકિંગ ટ્રેલને બંધ કરવાની ફરજ પડી છે. સુનામી એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે.
ઈન્ડોનેશિયા વિશ્વના સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો પૈકી એક તરીકે છે કારણ કે આ ક્ષેત્ર પેસિફિક રિંગ્સ ઓફ ફાયર ઉપર સ્થિત છે. જાપાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈન્ડોનેશિયન ડિઝાસ્ટર એજન્સીના લોકોના કહેવા મુજબ ઘાયલ થયેલા ૧૬૨ લોકો પૈકી ૬૭ ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં છે. જેથી મોતનો આંકડો વધી શકે છે. ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહ્યા છે.