તુર્કીના ઇસ્તંબુલમાં લગભગ બપોરે ૩.૧૯ વાગ્યે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૬.૨ ની રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી, આ ભૂકંપનો અનુભવ માત્ર તુર્કીમાં જ નહીં પરંતુ બલ્ગેરિયા, ગ્રીસ અને રોમાનિયા જેવા પડોશી દેશોમાં પણ લોકો ભય નો માહોલ જાેવા મળ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ માપવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ ઇસ્તંબુલથી લગભગ ૭૩ કિલોમીટર દૂર હતું. થોડીક સેકન્ડોમાં જ, જાેરદાર ભૂકંપના આંચકાથી લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા.
આ મામલે તુર્કીના ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રએ પુષ્ટિ આપી છે કે ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં પ્લેટોની હિલચાલને કારણે આ ભૂકંપ આવ્યો હતો. ખાસ વાત એ છે કે ભૂકંપની ઊંડાઈ અપેક્ષા કરતા ઓછી હતી, જેના કારણે તેની અસર વિશાળ વિસ્તારમાં અનુભવાઈ હતી. ગ્રીસ અને બલ્ગેરિયાના કેટલાક શહેરોમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે રોમાનિયાના કેટલાક ભાગોમાં લોકોએ ફર્નિચર ધ્રુજતા નોંધ્યા હતા.
મહત્વનું છે કે, તુર્કિયેમાં ૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ પણ ભયાનક ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના કલાક બાદ જ તુર્કિયેના અન્ય ૧૧ પ્રોવિન્સમાં પણ તારાજી સર્જાઈ હતી. જેમાં ૫૩૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
તુર્કી નું આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને રાહત અને બચાવ ટીમો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. ઉપરાંત, ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. તે જ સમયે, લોકોને ચેતવણી આપવામાં આવી છે કે હજુ પણ ભૂકંપ પછીના આંચકા આવવાની શક્યતા છે.