મુંબઈઃ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ ભારતીય કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૭૭૭૮૪.૮૫ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે, છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટીએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. જો કે બંને કંપનીઓ વચ્ચે અંતર હવે વધારે નથી. આ બે કંપનીઓ વચ્ચે મોસ્ટ વેલ્યુડ કંપની તરીકેની પ્રતિષ્ઠા જાળવવા માટેની સ્પર્ધા ચાલી રહી છે.
છેલ્લા સપ્તાહમાં એક વખતે આરઆઈએલએ ટીસીએસને પાછળ છોડવામાં સફળતા મેળવી હતી, પરંતુ ટીસીએસએ કારોબારના અંતે પોતાની સ્થિતિ પ્રથમ ક્રમાંક તરીકેની ફરી હાંસલ કરી લીધી હતી. છેલ્લા સપ્તાહમાં જે ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તેમાં ટીસીએસ, આરઆઈએલ, એચયુએલ, આઈટીસી અને એસબીઆઈનો સમાવેશ થાય છે. જ્યારે એચડીએફસી બેંક, એચડીએફસી, ઈન્ફોસીસ, મારૂતી સુઝુકી, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનિય ઘટાડો થયો છે.
શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન આ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉથલ પાથલ થઈ હતી. આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૩૦૦૧૦.૯૨ કરોડ વધીને ૭૪૫૭૮૨.૯૫ કરોડ થઈ ગઈ છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનિલિવર અને ટીસીએસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૨૨૦૫૭.૬૧ કરોડ અને ૧૩૧૧૨.૮૭ કરોડનો વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂટી હવે વધીને હવે ૭૫૭૦૪૩.૩૧ કરોડ થઈ ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટીએ તે પ્રથમ સ્થાન ઉપર અકંબંધ છે, જ્યારે આરઆઈએલ બીજા સ્થાન પર છે.
ટોપ ટેન રેન્કીંગ કંપનીની વાત કરવામાં આવે તો એચડીએફસી બેંક ત્રીજા, એચયુએલ ચોથા અને આઈટીસી પાંચમાં સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેમાં મારૂતી, એચડીએફસીનો સમાવેશ થાય છે. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૧૮૪૮.૬૬ કરોડ અને મારૂતીની માર્કેટ મૂડી ૩૮૩૯.૪૪ કરોડ ઘટી ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી ૩૧૮.૧૫ કરોડ સુધી ઘટી છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ વચ્ચે ૨૧૯ પોઈન્ટનો વધારો રહ્યો હતો. આની સાથે જ સેન્સેક્સ ૩૭૫૧૧૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો.