ગ્રેનેડા : વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચમાં ગ્રેનેડા ખાતે અનેક રેકોર્ડ સર્જતા ક્રિકેટ ચાહકો રોમાંચિત થઇ ગયા હતા. આ મેચમાં છગ્ગાઓનો વરસાદ થયો હતો. મેચમાં કુલ ૪૬ છગ્ગા વાગ્યા હતા. જે પૈકી ઇંગ્લેન્ડ તરફથી ૨૪ અને બાકી ૨૨ છગ્ગા વેસ્ટ ઇન્ડિઝ તરફથી લગાવી દેવામાં આવ્યા હતા. આ મેચમાં બંને ટીમોએ મળીને ૮૧૭ રનનો રેકોર્ડ ખડકલો કર્યો હતો. જો કે જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર ૨૯ રનથી હારી ગઇ હતી. આ પહેલા એક મેચમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૩માં રમાયેલી મેચમાં જાવા મળ્યો હતો.
આ મેચમાં ૩૮ છગ્ગા લગાવી દેવામાં આવ્યા હતા. હાઇ સ્કોરિંગ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે નિર્ધાિરત ૫૦ ઓવરમાં ૪૧૮ રન ખડકી દીધા હતા. ઇંગ્લેન્ડની આ ઇનિગ્સમાં જાની બેયરશોએ ચાર છગ્ગાની સાથે ૫૬ રન, હેલ્સે બે છગ્ગાની સાથે ૮૨ રન, કેપ્ટન મોર્ગને છ છગ્ગા સાથે ૧૦૩ રન, જાસ બટલરે ૧૨ છગ્ગાની સાથે ૧૫૦ રન ફટકારી દીધા હતા. ઇંગ્લેન્ડે કુલ ૨૪ છગ્ગા ફટકારી દીધા હતા. ત્યારબાદ વિન્ડીઝના બેટ્સમેનો પણ પાછળ રહ્યા ન હતા. ક્રિસ ગેઇલે આ મેચને યાદગાર બનાવીને ૯૭ બોલમાં ૧૬૨ રન ફટકારી દીધા હતા.
મેચમાં ગેલે ૧૪ છગ્ગા લગાવ્યા હતા. વન ડે મેચમાં એક ઇનિગ્સમાં કોઇ બેટ્સમેન દ્વારા સૌથી વધારે છગ્ગા ફટકારવામાં આવ્યા છે તો તે રેકોર્ડ ત્રણ બેટ્સમેનોના નામ પર સંયુક્ત રીતે છે. જેમાં રોહિત શર્મા, ક્રિસ ગેલ અને ડિવિલિયર્સનો સમાવેશ થાય છે.