હરિદ્ધાર : ચારધામની યાત્રામાં છેલ્લા એક મહિનાના ગાળામાં જ ૪૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે કેટલાક શ્રદ્ધાળુઓ અસ્વસ્થ પણ થઇ ગયા છે. મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓમાં ત્રણ દિલ્હીના હોવાના હેવાલ મળ્યા છે. છેલ્લા એક મહિનામાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થતા તંત્ર પણ હચમચી ઉઠ્યુ છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓના મોત હાર્ટ અટેકના કારણે થયા છે. નિષ્ણાંત તબીબોએ કહ્યુ છે કે ઉંચા ચઢાણ દરમિયાન યાત્રીઓના લોહીમાં ઓક્સીજનનુ પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે કેટલીક વખત હાર્ટ અટેક થઇ જાય છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વર્ષ ૨૦૧૮ની તુલનામાં ખુબ વધારે છે.
બુધવારના દિવસે પણ બે યાત્રીઓના મોત કેદારનાથ અને ગંગોત્રી ખાતે થયા હતા. આ વર્ષે આંકડો વધારે હોવાના કારણે તકેદારી વધારે રાખવામાં આવી રહી છે. ગયા વર્ષે પહેલા મહિનામાં ૨૭ તીર્થયાત્રીઓના મોત થયા હતા. જ્યારે છ મહિના સુધી ચાલનાર આ યાત્રામાં આશરે ૬૫ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ચારધામની યાત્રાને મુશ્કેલ હવામાનની પરિસ્થિતીના કારણે જટિલ યાત્રા તરીકે ગણવામાં આવે છે.
રુદ્રપ્રયાગના સીએમઓ તબીબે માહિતી આપતા કહ્યુ છે લોહીમાં ૮૦ એમએમ એચજીથી ઓછાના ઓક્સીજન પ્રમાણ પર શરીરના કેટલાક ભાગોમાં ખુબ ખરાબ અસર થાય છે.કેદરનાથની દુર્ગમ યાત્રા અને ખરાબ હવામાનની સ્થિતીને ધ્યાનમાં લઇને વરિષ્ઠ નાગરિકોને કેટલીક અપીલ કરવામાં આવી છે. આ યાત્રાથી દુર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જે વરિષ્ઠ નાગરિકો યાત્રા કરવા માટે ઇચ્છુક હોય છે તે મેડિકલ ફિટનેસ સર્ટિ મેળવી શકે છે.