પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સમાચારોનું માનીએ તો ફરી એકવાર તેમના પર ધરપકડની તલવાર લટકાવા લાગી છે. લાહોરના જમાન પાર્કમાં તેના ઘરની સામે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. ટૂંક સમયમાં તેના ઘરની પણ તલાશી લેવામાં આવશે. લાહોર પોલીસને ઈમરાન ખાનના ઘરની તપાસ માટે સર્ચ વોરંટ પણ મળ્યું છે. પૂર્વ પીએમ પર આરોપ છે કે, તેમના ઘરમાં ૪૦ આતંકવાદીઓ છુપાયેલા છે. આ આતંકવાદીઓને શોધવા માટે પોલીસ ગમે ત્યારે તેમના ઘરની તલાશી શરૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ ૪૦૦ પોલીસ કર્મચારીઓ ઈમરાનના ઘરની તલાશી લેશે. એવી આશંકા છે કે, સર્ચ ઓપરેશન દરમિયાન જ તેની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, ઈમરાન અને તેના સમર્થકો પર આરોપ છે કે તેઓએ આ મહિનાની ૯ તારીખે જિન્ના હાઉસ પર હુમલો કર્યો હતો. જ્યાં પાકિસ્તાની સેનાના કોર્પ્સ કમાન્ડર રહે છે. ત્યારથી, તેના પર સતત સેનાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં જાે રિપોર્ટ્સનું માનીએ તો ઈમરાન ખાન અને તેમના સમર્થકો વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે. જો આવું થાય તો, નિયમો અનુસાર, તેમને બે વર્ષની કેદથી લઈને આજીવન કેદ અથવા મૃત્યુ સુધીની સજા ભોગવવી પડી શકે છે. હાલમાં તેના માટે સારા સમાચાર એ છે કે, લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે તેને ત્રણ કેસમાં આગોતરા જામીન આપ્યા છે. પરંતુ પોલીસે ૯મી મેના રોજ થયેલી હિંસા માટે તેના આઠ સહયોગીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આઠ લોકો ભાગતી વખતે પકડાયા હતા.