અમદાવાદ: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લા પરથી દરેક દેશવાસીઓને ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા નવી ક્રાંતિ સાથે વિકાસયાત્રામાં સહભાગી બનવા કરાયેલી જાહેર અપીલને અમદાવાદના ચાર યુવાનોએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. ડિજીટલ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત અમદાવાદના ચાર યુવાનોએ ઇગલ્સવેલ ઇન્ફોસર્વિસીસ પ્રા. લી. બેનર હેઠળ એક એવી એપ ‘વિદ્યા’ રજૂ કરી છે જે દ્વારા ગુજરાતભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ વિદ્યા એપની સૌથી નોંધનીય વિશેષતા એ છે કે, ખુદ માતા-પિતા સ્કુલ અને બાળકની દરેક પ્રવૃત્તિને વ્યક્તિગત રૂપે રીયલ-ટાઇમ આધારે ટ્રેક કરી શકે છે. તો, સ્કુલ સત્તાધીશો પણ કોઇપણ વિષયની ઓનલાઇન પરીક્ષા આયોજીત કરી શકે છે અને વિદ્યાર્થીઓ આ એપ દ્વારા તેનો જવાબ આપી શકે છે.
અમદાવાદના ચાર યુવા સાહસિકો ભાર્ગવ જાની, દિબયેન્દ્રુ ગાંગુલીજી, રાજેન ત્રિવેદી અને આશિષ ઠાકરે મળીને ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ખાસ ‘વિદ્યા’ એપ રજૂ કરી છે, જે શૈક્ષણિક સંસ્થાઓને એક મંચ પર કેન્દ્રીકૃત ડેટા પૂરો પાડે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં વૃદ્ધિ કરવામાં સહાયરૂપ બને છે. વિદ્યા એટલે ભારતની દરેક સ્કૂલ વહીવટ માટે યોગ્ય અને સંપૂર્ણ સમાધાન. વિદ્યા દરેક વ્યાપક સુવિધાઓ પૂરી પાડે છે જે સ્કૂલના રોજિંદા કામોના વ્યવસ્થાપન તેમજ દેખરેખમાં સહાય પૂરી પાડે છે અને સાથે જ વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે પારદર્શક છે. વિદ્યા એપ અંગે એમડી તથા ચેરમન ભાર્ગવ જાનીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ માત્ર મોબાઇલ એપ્લીકેશન બનાવવા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ અને વેપારી વર્ગને ગર્વથી આગળ લઇ જવા માટે અમે સદા પ્રયત્નશીલ છીએ. ઇગલ્સવેલ ઇન્ફોસર્વિસીસ મોબાઇલ એપ્લીકેશન દ્વારા બી ટુ બી, બી ટુ સીનો વેપાર અને શ્રેષ્ઠ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક પ્રોગ્રામ દ્વારા અનેક સારી પરિયોજનાઓમાં કાર્ય કરી રહી છે. ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અમે હંમેશા ગ્રાહકોને લાભ મળે તેવો આગ્રહ રાખીએ છીએ.
અમે પરિપક્વતા સાથે વિદ્યાર્થીઓના ડેટાની ગુપ્તતાને સમજીએ છીએ. ‘વિદ્યા’ એપ દ્વારા સ્કુલોને તેમજ વિદ્યાર્થીઓ તથા માતા-પિતાને અનેક પ્રકારના લાભ થશે જેમકે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વૃદ્ધિ કરવામાં સહાય મળે છે. વિદ્યાર્થીઓના પ્રદર્શન અને દેખરેખ રાખવાનું સરળ બને છે. સ્કૂલોને એક જ મંચ પર કેન્દ્રિત ડેટા મળે છે અને સમગ્ર પ્રદર્શનમાં સુધારાની અનેક રીતોથી વિશ્લેષણ પણ કરી શકાય છે. માતા-પિતા અને વિદ્યાર્થીઓને દરેક જાણકારી માટે વન-સ્ટોપ સ્ત્રોત પૂરો પાડે છે અને સ્કુલ અને શિક્ષકોની સાથે એક દ્વિપક્ષીય સંચાર ચેનલ પૂરી પાડે છે. આ યુવાનો દ્વારા ‘વિદ્યા’ એપની સાથે સાથે ‘વ્યાપાર’ એપ પણ રજૂ કરવામાં આવી છે. વ્યાપાર એપ રિટેલર્સને ડિજીટલ મંચથી જોડે છે અને ધંધાને ઓનલાઇન વિસ્તરવામાં સહાય કરે છે. વેપારી નવા નવા ગ્રાહકો મેળવી શકે છે, તેમજ ધંધા અંગેની સંપૂર્ણ માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરાવી શકે છે. સાથે જ ઓનલાઇન પેમેન્ટ તથા કેશ ઓન ડિલીવરી જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.