નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ફાઇનલ ડ્રાફ્ટમાં સામેલ ન કરવામાં આવેલા ૪૦ લાખ લોકોથી વધારે લોકોની સામે કોઇપણ ઓથોરિટી કોઇપણ પ્રકારની બળજબરીપૂર્વકની કાર્યવાહી ન કરે.
અત્રે નોંધનીય છે કે, આ મુદ્દા ઉપર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. મંગળવારના દિવસે સંસદના બંને ગૃહોમાં આને લઇને ભારે હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એમ પણ કહ્યું હતું કે, તે ડ્રાફ્ટથી બહાર રહી ગયેલા લોકોના દાવા અને વાંધાઓના સમાધાન માટે એક નિષ્પક્ષ અને આદર્શ વ્યવસ્થા તૈયાર કરી શકે છે.
જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ આરએફ નરિમનની બેંચે કહ્યું હતું કે, એનઆરસીથી બહાર રાખવામાં આવેલા લોકોના દાવાને ઉકેલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરને સુપ્રીમ કોર્ટની સમક્ષ ૧૬મી ઓગસ્ટના દિવસે રજૂ કરે. આસામના એનઆરસી દ્વારા પણ કેટલીક સ્પષ્ટતા કરવામાં આવનાર છે. એનઆરસી સાથે જાડાયેલા ટોપ લોકોએ કહ્યું છે કે, ૪૦ લાખથી વધારે લોકોના નામ ફાઇનલ ડ્રાફ્ટમાં નથી. આમાથી ૩૭.૫૯ લાખ નામોનો અસ્વીકાર કરી દેવામાં આવ્યા છે જ્યારે ૨.૮૯ લાખ લોકોના નામ ઉપર કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. એનઆરસીના ફાઇનલ ડ્રાફ્ટ સોમવારના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યા બાદથી ભારે હોબાળો થયેલો છે. દાવા અને આપત્તિઓ માટેની પ્રક્રિયા ૩૦મી ઓગસ્ટથી શરૂ થશે અને આ પ્રક્રિયા ૨૮મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
એનઆરસીના અધિકારી શૈલેષે આજે કહ્યું હતું કે, ગુવાહાટીમાં ફાઇનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો હતો. આ માત્ર એક ડ્રાફ્ટ છે. અંતિમ લિસ્ટ નથી. જે લોકોના નામ સામલે નથી તે લોકો દાવા અને વાંધાઓ કરી શકે છે. શૈલેષે કહ્યું હતું કે, લોકોને વાંધાઓ રજૂ કરવા પુરતી તક અપાશે.