અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગેસ જાડાણ વિનાના એપીએલ પરિવારોને ફેબ્રુઆરી ૨૦૧૯થી રેશનકાર્ડ દીઠ ચાર લીટર સબસિડાઇઝ્ડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APLરેશનકાર્ડ ધારકોને હવે આ ૪ લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળતો થવાનો છે.
મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમ્યાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ તા. ૧ ડિસેમ્બર-ર૦૧૮થી અને અન્ય વિસ્તારોમાં તા. ૧ જાન્યુઆરી-ર૦૧૯થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂનઃ સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી. વિજય રૂપાણીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે ૧ લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ ૪ લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ૪૭ લાખ જેટલા પરિવારોને આનો લાભ મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે દેશભરમાં ધૂમાડામુકત, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી પ્રેરક બળતણ સુવિધા મળે તે હેતુથી પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો વ્યાપ ગેસ જોડાણ વિનાના તમામ પરિવારો સુધી વિસ્તારવાનો કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનો ઉદાત્ત અભિગમ છે.
અન્ન, પૂરવઠા મંત્રી જયેશ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-એકસપાંડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજનાનો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ રૂપે વધારાના જથ્થા તરીકે મળતું થાય તેવા ગરીબ સંવેદનાલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.