જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા વિસ્તારમાં શુક્રવારે એક બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા અને ૨૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઇને હવે મોટી જાણકારી સામે આવી રહી છે. સૂત્રોએ દાવો કર્યો કે આ કોઇ દુર્ઘટના ન હતી પણ આતંકીઓએ આ બસને નિશાન બનાવી હતી.
આ બસ પર સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા વિસ્ફોટ સામાન્ય રીતે કોઇપણ ચીજ સાથે ચોંટાડી દેવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બસની અંદર એક રહસ્યમયી વિસ્ફોટ પછી આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો સળગી ગયા હતા. સૂત્રોના મતે આ બોમ્બને ઇંધણ ટેંક પાસે લગાવવામાં આવ્યો હતો.
એનઆઈએ અને જાસુસી ટીમોએ ઘટના સ્થળની મુલાકાત કરી હતી. અહીં બોમ્બમાં આરડીએક્સના નિશાન મળ્યા છે. આ સિવાય એક યાત્રીએ કહ્યું કે આગ પહેલા ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીની એક ટીમે બસનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં ટીમ લગભગ દોઢ કલાક રહી હતી.
અહીંથી સેમ્પલ જમા કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જનાર જમ્મુના અતિરિક્સ પોલીસ મહાનિર્દેશક (એડીજી) મુકેશ સિંહે જણાવ્યું કે જીવિત બચેલા લોકો અને ઘટનાસ્થળની આસપાસ રહેતા લોકોએ બસમાં વિસ્ફોટનો અવાજ સાંભળવાની વાત કહી છે. મુકેશ સિંહે જણાવ્યું કે કટરાથી જમ્મુ જતા સમયે બસમાં આગ લાગી હતી.
આગના કારણોની હજુ પૃષ્ટી થઇ નથી. ફોરેન્સિક ટીમ તે તપાસી રહી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્તોને એક-એક લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે.
નેશનલ કોન્ફ્રેંસ અને કોંગ્રેસે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસની માંગણી કરી છે. નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારુક અબ્દુલા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.