ડિસેમ્બરના પહેલા જ અઠવાડિયે માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે અને આવી જ હાડ થીજાવી દે તેવી ઠંડીની અસર અહીં ડિસેમ્બરની પહેલી તારીખે જ અનુભાવા લાગી હતી. માઉન્ટ આબુમાં ૯ તથા ૧૦ ડિસેમ્બરને લઘુત્તમ તાપમાન ઝીરો ડિગ્રી પર નોંધાયુ છે. ૧૦ ડિસેમ્બર શનિવારે લઘુત્તમ તાપમાન ૦ ડિગ્રી રહેવાના કારણે વાહનો પર પણ બરફની મોટી ચાદર જામી ગઇ. ત્યાં ઘાસના મેદાનો પર પણ ઝાકળની સફેદ ચાદર જામતી જોવા મળી રહી છે. સાથે જ હોટલની બહાર મુકેલા કાચના ટેબલ પર પણ ઝાકળ જામતી જોવા મળી રહી છે.
હવામાનના જાણકારોનું માનવુ છે કે આવનારા દિવસોમાં પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસની નીચે જશે. સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં ચાલી રહેલી ઠંડી હવાઓના કારણે અહીંનું લઘુત્તમ તાપમાન વધુ ગગડશે. તેવામાં બીજા દિવસે પણ માઉન્ટ આબુમાં કારની છત પર જામેલા બરફને ખોતરીને અહીં આવતા સહેલાણીઓએ ઠંડા બરફનો સ્પર્શ કરીને પોતાના હાથે આનંદ માણ્યો હતો. બરફને સ્પર્શીને તથા બરફ જામતો જોઇને સહેલાણીઓ પણ રોમાંચિત થઇ ગયા. હાડ થીજવતી ઠંડીમાં સહેલાણીઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો. સહેલાણીઓનું કહેવું હતું કે તેમણે ગુજરાતમાં તો માત્ર ફ્રીજરમાં બરફ જામતો જોયો છે. પરંતુ આજે શનિવારે તેઓ પોતાની ગાડીની છત પર જામેલા બરફને સ્પર્શ કરીને અનુભવી રહ્યાં છે. તે તેમને એકદમ હટકે અને ઠંડા-ઠંડા કૂલ કૂલ મોસમની ફીલીંગ્સ આપી રહ્યો છે. જણાવી દઇએ કે શિયાળાની તિવ્રતા બાદ આગામી દિવસમાં તાપમાનનો પારો ગગડશે તેવી સંભાવનાઓ છે.
જો કે, બીજી તરફ ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારો પણ વધી રહ્યો છે. શિયાળાની ઋુતુમાં લોકો પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, શિયાળામાં પ્રવાસ કરવો ખુબ સારો હોય છે.