બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહુ મોટા ગજાના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સની છેલ્લા ૨ વર્ષમાં ચાર બિગ-બજેટ ફિલ્મો ફ્લોપ નિવડી છે અને દિવંગત યશ ચોપરાએ શરુ કરેલ આ પ્રોડક્શન હાઉસની સક્સેસની સફર પર બ્રેક લાગી ગઈ છે.આ ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવા ઈન્ડસ્ટ્રીના મોટામાં મોટા સુપર સ્ટારથી લઈને ન્યૂ કમર્સ પણ તૈયાર હોય છે.
કરોડો રૂપિયાનું બજેટ, મોટા કલાકારો, ખ્યાતનામ ડિરેક્ટર્સ, દુનિયાભરના સુંદર લોકેશન્સ સહિતનું કમ્પ્લેટ ભાણું પીરસ્યા બાદ પણ ઓડિયન્સ આ ડિશને નકારી રહી છે. જેનો પૂરાવો બોક્સ ઓફિસ કલેક્શન આપી રહ્યું છે. સુપર હિટ ફિલ્મ ‘બંટી ઔર બબલી’ ની સિક્વલ ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’ માં રાની મુખરજી સિવાયની બધી જ કાસ્ટ ચેન્જ કરવા અને ફિલ્મને નવા રૂપ રંગમાં રજુ કરવાનો જુગાડ સંપૂર્ણ નિષ્ફ્ળ નીવડ્યો હતો.
લગભગ રૂપિયા ૪૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફક્ત ૨૨ કરોડ જ મેળવી શકી હતી. આ સાથે જ, ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ પણ બહુ એક્સ્પેક્ટેશન સાથે રિલીઝ કરવામાં આવી હતી. રૂપિયા ૯૦ કરોડમાં બનાવેલી આ ફિલ્મને રણવીર સિંહની સ્ક્રીન પ્રેઝન્સ અને સ્ટારડમ પણ બચાવી શક્યું ન હતું અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન ફક્ત ૨૬ કરોડમાં સમેટાયું હતું. આ બાદ, અક્ષય કુમારના નામ સાથે ભારતના મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર બનાવેલી બાયોપિક પણ ઓડિયન્સને ટિકિટ બારી સુધી ખેંચવામાં નિષ્ફ્ળ રહી છે.
ફિલ્મ માટે મોંઘામાં મોંઘા સેટ અને અક્ષયની સાથે, સંજય દત્ત, સોનુ સૂદ અને રૂપ સુંદરી માનુષી છિલ્લરનું કોમ્બિનેશન પણ યશ રાજને સફળતા અપાવવામાં નાકામ રહ્યું હતું. ફિલ્મ માટેનું રૂપિયા ૨૦૦ કરોડનું બજેટ અને દેશના ખૂણા-ખૂણા સુધી કરવામાં આવેલ પ્રમોશન પણ કારગત સાબિત થયું ન હતું. ફિલ્મ ૭૦ કરોડ જ મેળવી શકી હતી અને બે અઠવાડિયામાં જ ફિલ્મને સિલ્વર સ્ક્રીન પરથી ઉતારી લેવાની ફરજ પડી હતી. રિલીઝના ત્રણ દિવસમાં જ ફિલ્મ ‘શમશેરા’ ના સવારના અને બપોરના અનેક શો ઓડિયન્સ નહિ મળવાના કારણે રદ થઈ ચૂક્યા છે અને ટ્રેડ એનાલિસ્ટ આ ફિલ્મના બજેટ સામે ફિલ્મ ફ્લોપ જ રહેશે તેવું કહી કહી રહ્યા છે કારણ કે, આ ફિલ્મનું બજેટ લગભગ રૂપિયા ૧૫૦ કરોડ રાખવામાં આવ્યું છે અને પહેલા બે દિવસે આ ફિલ્મે ફક્ત ૨૦ કરોડની આસપાસનો બિઝનેસ કર્યો છે. હવે, યશ રાજ ફિલ્મના સલમાન ખાન અને શાહરુખ ખાન એમ બે ખાનને ચમકાનાર ‘ટાઈગર ૩’ અને ‘પઠાણ’ યશ રાજ ફિલ્મ્સની નૈયા પાર લગાવે છે કે નહિ તે જોવું રહ્યું.