છેલ્લા ૩ દિવસથી મૂશળધાર વરસાદ, પાણી ભરાઈ જવા અને પૂરના કારણે રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તરાખંડ અને હિમાચલ સહિત ઉત્તર ભારતના ૪ રાજ્યોમાં અવિરત વરસાદ અને પૂરને પહોંચી વળવા NDRFની ૩૯ ટીમો તૈનાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે.
ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સોમવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદે વિનાશ વેર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૭ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા આર્મી અને NDRFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. હિમાચલમાં, રાજધાની શિમલામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે વધુ ૪ લોકોના મોત થયા છે. વરસાદના કારણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ શિમલા-કાલકા રોડ સોમવારે બંધ રહ્યો હતો. વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં સૌથી વધુ તબાહી જોવા મળી રહી છે. હરિયાણા પણ અવિરત વરસાદથી ત્રસ્ત છે. વરસાદના ખતરાને જોતા હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે તેમના તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો ચાલુ રાખી.
પંજાબમાં પણ વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે રાજ્યની એક ખાનગી યુનિવર્સિટીના ૯૧૦ વિદ્યાર્થીઓ અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓને સેનાએ બચાવ્યા હતા. સરકારે તેના રાજ્યમાં ૧૩ જુલાઈ સુધી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને બચાવના પગલાંની સમીક્ષા કરી હતી.