અમદાવાદ : ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા ખાનગી સ્કૂલોના ૩૫૦૦ શિક્ષકને ઓર્ડર હોવા છતાં તેઓ પેપર ચેક કરવા ન આવતાં બોર્ડ દ્વારા આખરે ગંભીર નોંધ લેવાઇ છે અને હવે આ કસૂરવાર એવા ૩૫૦૦ જેટલા શિક્ષકોને નોટિસ ફટકારવાની તજવીજ બોર્ડ દ્વારા હાથ ધરાઇ છે. બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે ૧૫૦૦ અને સામાન્ય પ્રવાહના બે હજાર શિક્ષકોને સોમવારે નોટિસ ઇશ્યૂ કરાય તેવી શકયતા છે. શિક્ષકો નોટિસનો યોગ્ય ખુલાસો નહીં કરે તો શિક્ષક અને સ્કૂલને દંડ થઈ શકે તેવી પણ પ્રબળ સંભાવના છે. બોર્ડે આ સમગ્ર મામલે આકરૂં વલણ અપનાવ્યું છે. દર વર્ષે બોર્ડના પેપર ચેક કરવામાં ખાનગી સ્કૂલોના શિક્ષકો ગેરહાજર રહે છે. પરંતુ આ વર્ષે બોર્ડ શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાનું વલણ અપનાવ્યું છે.
વારંવાર સ્કૂલોએ પેપર ચેક કરવા પોતાના શિક્ષકોને મોકલવા કહેવાયું હોવા છતાં પણ આ વર્ષે અંદાજે ૩૫૦૦ શિક્ષક ગેરહાજર રહ્યા હતા. બીજીબાજુ, સરકારી શિક્ષકોનું માનવું છે કે, પેપર ચેક કરવામાં થોડી પણ ભૂલ થાય તો બોર્ડ દંડ કરે છે. ખાનગી સ્કૂલોના શિક્ષકો પેપર ચેક કરવા ન આવતા સરકારી શિક્ષકો પર કામનું ભારણ વધી જાય છે. કામના ભારણને કારણે ઘણા શિક્ષકોને મહેનતાણાં સામે બોર્ડનો દંડ વધી જાય છે. જ્યારે કે બોર્ડની પરીક્ષામાં ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યા જ વધારે છે. શિક્ષકોના મતે, ખાનગી સ્કૂલોના શિક્ષકો ક્લાસીસ સાથે જોડાયેલ હોવાથી તેમને સવારે ૧૦થી ૫નો સમય સેટ થતો નથી.
શિક્ષકોએ પેપર ચેક કરવા જતા પહેલા સ્કૂલમાં પણ લેક્ચર લેવા પડે છે. સરકારી શિક્ષકોને રજાનો લાભ મળે છે જ્યારે ખાનગી સ્કૂલો તે સરભર કરી આપતા નથી. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, ઘણી સ્કૂલોમાં શિક્ષકો જ ક્વોલીફાય નથી, તેથી સ્કૂલો તેઓને પેપર ચેક કરવા મોકલે તો ભાંડો ફૂટી જાય. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેપર ચેકિંગ માટે નહીં આવતાં શિક્ષકો તેમજ ખાનગી સ્કૂલો જો નોટિસ અને દંડ બાદ પણ યોગ્ય પગલાં નહીં લે તો નવા શૈક્ષણિક વર્ષ માટે જે તે સ્કૂલના વિદ્યાર્થીઓના ફોર્મ બોર્ડ અટકાવી શકે છે. તેથી હવે બોર્ડ આ સમગ્ર મામલે આ વખતે ગંભીર છે તેનો સંકેત આપી દીધો છે.