નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના લોકપ્રિય પ્રવાસી સ્થળ મહાબલેશ્વરમાં એક ભીષણ બસ દુર્ઘટના થઈ છે. આ બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૩ લોકોના મોત થઈ ગયા છે. વિકેન્ડ ઉપર પીકનીક મનાવવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ મળ્યા છે. આ બસ પહાડી રસ્તામાં ૫૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. હચમચાવી મુકનાર આ ઘટનામાં ૩૩ લોકોના મોત ઘટના સ્થળે જ થઈ ચુક્યા છે.
રાયગઢ જિલ્લામાં કલેકટર વિજય સૂર્યવંશીએ અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે પોલડપુરમાં બસ ખીણમાં ખાબકી ગઈ હતી. જેથી તેમા મુસાફરી કરી રહેલા ૩૪ પૈકીના ૩૩ લોકોના મોત થઈ ગયા છે. આ તમામ લોકો એક કૃષિ વિભાગના વિદ્યાપીઠમાં કામ કરી રહ્યા છે અને વિકેન્ડ ઉપર પિકનીક મનાવવા જઈ રહ્યા હતા.
સવારે આશરે ૧૦ વાગે અમબેનલી ઘાટ પર એક પહાડી માર્ગ ઉપર બસ દુર્ઘટનાનો શિકાર થઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી.
એમ માનવામાં આવે છે કે ધુમ્મસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ ટીમ અને બચાવ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં પ્રકાશ સાવંત દેસાઈ એકમાત્ર વ્યક્તિ રહ્યા છે જે માત્ર જીવિત બચ્યા છે. આ વ્યક્તિએ બસમાંથી કુદીને પોતાની જાન બચાવી લીધી હતી. બસ સવારે ૬.૩૦ વાગે ડાપોલીથી રવાના થઈ હતી. ત્યાં ખેંચવામાં આવેલા ફોટામાં ૩૨ લોકો દેખાઈ રહ્યા હતા. ડ્રાયવર અને કંડકટર મળીને કુલ ૩૪ લોકો હતા. આ બસ દુર્ઘટના આજે ૧૦ વાગ્યાની આસપાસ થઈ હતી. એકમાત્ર જીવિત બચી ગયેલા પ્રકાશે ફોન કરીને દુર્ઘટના અંગે માહિતી આપી હતી.
આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આઘાતની લાગણી વ્યક્ત કરી છે. પીએમઓના ટ્વીટર હેન્ડલ ઉપર મોદી તરફથી લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના રાયગઢમાં થયેલી બસ દુર્ઘટનાને લઈને તેઓ ખૂબ દુઃખી છે. મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે તેમની પૂર્ણ સહાનુભૂતિ છે.
બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મહાબલેશ્વર બસ દુર્ઘટનામાં લોકોના મોતના સંદર્ભમાં જાણીને દુઃખ થયું છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તાજેતરના સમયની સૌથી મોટી દુર્ઘટના તરીકે આને ગણવામાં આવે છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મહાબલેશ્વર દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોતના સમાચાર જાણીને ખૂબ આઘાત લાગ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જરૂરી સહાયતા આપવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારી અને મેનેજમેન્ટના લોકો સતત સક્રિય થયેલા છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે સવારે આ દુર્ઘટના થઈ હતી. કોકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસમાં કુલ ૪૦ લોકો હતા. જોકે કુલ લોકોની સંખ્યાના સંદર્ભમાં હજુ પણ માહિતી મળી શકી નથી. રવાના થતા પહેલા લોકોએ સામુહિક ફોટા પણ પડાવ્યા હતા. બનાવના એક કલાક પછી જ યુનિવર્સિટીને પણ જાણ કરી દેવામાં આવી હતી. તમામ યાત્રીઓ બસમાં યાત્રા કરી રહ્યા હતા ત્યારે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. ભારે ખુશ દેખાઈ રહ્યા હતા. બચી ગયેલી વ્યક્તિ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે.
સતારા જિલ્લાના પોલીસ અધિકારી સંદીપ પાટીલના કહેવા મુજબ તેમને માહિતી મળતાની સાથે જ મહાબલેશ્વર, વહેલ અને સતારાથી ટીમ મોકલવામાં આવી હતી. પરંતુ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પહેલાથી જ મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા હતા.
મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પુણેથી એનડીઆરએફની ટીમ પણ બચાવ અને રાહત કામગીરી માટે પહોંચી ચુકી છે.