300 વર્ષ જૂના ખોડિયાર ધામનું પાંચમીવાર જિર્ણોધ્ધાર, ત્રિદિવસય મહોત્સવનું ભવ્ય આયોજન

Rudra
By Rudra 3 Min Read

ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે. 8થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસિય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે. આ મંદિરના પુનઃ નિર્માણ કાર્ય છેલ્લાં બે વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સાથે આ દિવસે દેવોની નગર યાત્રાનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે લોકડાયરો, ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 10મી ફેબ્રુઆરીએ ભક્તો માટે 7 વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

આ અંગે ખોડિયાર ધામ સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે જણાવ્યું કે, ગામના પટેલ સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજ સહિતના સમાજો એક સાથે ભેગા મળીને મંદિરનું પાંચમી વાર પુનઃ નિર્માણ કરાયું છે. ગામના વડીલો, યુવાઓએ ભેગા મળીને આ મંદિરના પુનઃ નિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે. ગામમાં બે હજારથી વધુ ઘર આવેલા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ ત્રણ દિવસ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાશે. એટલું જ નહીં, વિવિધ સામાજિક આગેવાનો અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 8મીએ નગરયાત્રાનું આયોજનમાં 20 હજારથી વધુ લોકો જોડાશે. મંદિરના નિર્માણ કાર્ય માટે બંસીપાલ પથ્થર પણ લવાયો હતો. અઢી વર્ષથી ચાલતા આ કાર્યમાં કોતરણી માટે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનથી 20થી વધુ કારીગરોને બોલાવાયા છે. જે છેલ્લાં અઢી મહિનાથી કોતરણીની કામગીરી કરી રહ્યા છે. અહીં દર દિવાળીમાં પાંચ દિવસ માંડવીના ગરબાનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોની સાથે વિદેશથી પણ આવે છે. મુખ્ય શિખર અને નાનું શિખર સોનાથી તૈયાર કરાશે.

3 દિવસ માટે 108 કુંડીય યજ્ઞ શાળા ઉભી કરાઈ :

ખોડિયાર ધામની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં મહોત્સવને લઈને 108 કુંડીય યજ્ઞ શાળા તૈયાર કરાઈ છે. જેમાં સતત 3 દિવસ સુધી 108 પરિવારો હવનમાં બેસશે. મહોત્સવના 3 દિવસમાં કુલ 324 પરિવારો હવનમાં ભાગ લેશે. આ સાથે મંદિર પરિસરના આંગણે વિશાળ હવન કુંડ પણ તૈયાર કરાયો છે. જ્યાં પણ શત ચંડીના વિશેષ હવનનું આયોજન કરાયું છે.

મંદિર પરિસરમાં ધજા દંડ પર  52 ગજની ધજા ચઢાવાશે :

મંદિર પરિસરમાં ધજા દંડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ધજા દંડ પર 52 ગજની સૌથી મોટી ધજા ચઢાવામાં આવશે. આ ધજાને તૈયાર કરવા માટે ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે. જેને 10મી ફેબ્રુઆરીના દિવસે મંદિર પરિસરમાં પૂજન કર્યા બાદ લગાવામાં આવશે.

Share This Article