અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર પૂરી પાડવા‘‘૧૦૮ એમ્બ્યુલન્સ વાન’’ સેવા રાજ્યમાં પ્રચલીત બની છે એને વધુ સુદઢ બનાવવા નવી અત્યાધુનિક સુવિધા સંપન્ન એમ્બયુલન્સ વાન કાર્યરત કરાઇ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ-શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી કુમારભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં નવી ૩૦ એમ્બયુલન્સ વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવીને લોકાર્પણ કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને ઇમરજન્સીમાં આરોગ્ય સારવાર પૂરી પાડવા તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૭ થી ૧૦૮ એમ્બયુલન્સ સેવા કાર્યરત કરી છે જે માત્ર ૨૦ મીનીટના ગાળામાં દર્દીઓ પાસે પહોંચી જાય છે અને સારવાર પૂરી પાડે છે. રાજ્યભરમાં હાલ ૫૮૭ એમ્બયુલન્સ કાર્યરત છે અને કાર્યરત ૨૬૧ એમ્બયુલન્સ વાન બદલીને નવી ૬૩ ઉમેરવા આ વર્ષે નવી ૩૨૪ એમ્બયુલન્સ વાન ખરીદવામાં આવનાર છે. આગામી સમયમાં રાજ્યમાં ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન કાર્યરત થશે.