અમદાવાદ : અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પરપ્રાંતીયો પર હુમલાના ચકચારભર્યા કેસમાં પકડાયેલ પાંચ મહિલાઓ સહિત કુલ ૩૦ આરોપીઓને આજે સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ કોર્ટે આરોપીઓ માટે બહુ મહત્વની આકરી શરત લાદી હતી કે, જયાં સુધી આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ ના થાય ત્યાં સુધી આરોપીઓએ સંબંધિત પોલીસમથકમાં હાજરી પૂર્યા સિવાય તેમના વિસ્તારમાં પ્રવેશ કરવો નહી. કોર્ટે તમામ આરોપીઓને રૂ.૧૫ હજારના શરતી જામીન આપ્યા હતા. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ, મહાલક્ષ્મી મંદિર અને પશ્ચિમ તરફના રિવરફ્રન્ટની ચાલીમાં રહેતા પરપ્રાંતીય પરિવારો પર તા.૫મી ઓકટોબરે ૬૦થી ૭૦ લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં કેટલાક લોકોની ઘરવખરી અને માલ-સામાનને નુકસાન થયું હતું તો, આ બનાવ દરમ્યાન રૂ.૩૦ હજારની લૂંટ પણ થઇ હતી.
આ કેસમાં ૨૧ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. દરમ્યાન આરોપીઓ દ્વારા કરાયેલી જામીનઅરજીનો મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટ દ્વારા વિરોધ કરાયો હતો કે, અરજદારો પરપ્રાંતીયો પર હુમલાના ગંભીર અને સંવેદનશીલ કેસમાં સંડોવાયેલા છે. હાલ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પરપ્રાંતીયો પર હુમલા, ધમકી અને હિંસાના કેસો વધી રહ્યા છે અને તેના કારણે સમાજમાં કોમી વૈમનસ્ય અને સામાજિક ખાઇનું વાતાવરણ પેદા થયું છે જે ઘણું ગંભીર કહી શકાય. આરોપીઓ પાસેથી પરપ્રાંતીયો પર હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં પોલીસે લાકડી, પાઇપ સહિતના હથિયારો અને મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આવા સમાજવિરોધી ગુનામાં કોર્ટે આરોપીઓના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તેમના જામીન ફગાવી દેવા જાઇએ. કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા પરંતુ બહુ મહત્વની કહી શકાય તેવી આકરી શરત આરોપીઓ પર એ લાદી હતી કે, તમામ આરોપીઓએ આ કેસમાં પોલીસ દ્વારા જયાં સુધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ ના કરાય ત્યાં સુધી તેમના પોલીસમથક વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં હાજરી પૂર્યા સિવાય પ્રવેશ કરવો નહી. જા જામીનની શરતોનો ભંગ થશે તો સરકારપક્ષ આરોપીઓના જામીન રદ કરવાની કાર્યવાહી કરી શકશે.