સુરત: સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સુરતમાં પ્રથમ વખત નાના તથા મધ્યમ કદના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા સાથે હીરાનું ઈન્ટરનેશનલ માર્કેટ મળે તે હેતુથી વરાછા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે આયોજિત લુઝ હિરાના બીટૂબી એકઝીબિશન “કેરેટ્સ સુરત ડાયમંડ એક્ષ્પોને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શિપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ વિભાગના રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ૧૦થી ૧૨ જુલાઈ દરમિયાન યોજાનાર આ પ્રદર્શનમાં સિંગાપોર, મલેશિયા, પૂર્વ આફ્રિકા, ચાઈના અને તુર્કી સહિતના દેશોના ૪૦ જેટલા એકઝીબિટર્સ અને ડેલિગેટ્સ ભાગ લઇ રહ્યા છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, વિશ્વભરના હીરા ઉદ્યોગમાં અમીટ છાપ છોડનાર સુરત ડાયમંડના ચળકાટથી ગુજરાત ઝગમગી રહ્યું છે. હીરા ઉદ્યોગે સુરતને રાજ્યના આર્થિક પાટનગરની ઉપમાથી નવાજ્યું છે એમ જણાવી તેમણે સુરતનાં લોકો માટે ડાયમંડ માત્ર પ્રોફેશન નથી, પણ પેશન છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
૩૬ એકરની વિશાળ જગ્યામાં સુરત હીરા બુર્સનું નિર્માણ થશે જેમાં ચાર હજારથી વધુ ઓફિસો દ્વારા હીરાનો સીધો વેપાર વિશ્વનાં દેશો સાથે કરી શકાય તેવી તમામ સુવિધા સુરતનાં હીરાઉદ્યોગકારોને ઘરઆંગણે મળી રહેશે તેમ જણાવી માંડવીયાએ લુઝ હિરાના બીટૂબી એકઝીબિશન હીરાના નાના વ્યાપારીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરૂ પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.