લખનૌ : જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે સુરક્ષા દળો પર કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ઉત્તરપ્રદેશના ૧૨ જવાનો શહીદ થયા છે. જવાનોના શહીદ થયાના સમાચાર તેમના પરિવારના સભ્યોને મળતા કોહરામની સ્થિતી મચી ગઇ હતી. પરિવારની હાલત હાલમાં કફોડી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે શહીદ થયેલા જવાનોના પરિવારને ૨૫-૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. યોગી સરકારે જવાનોના વતન ગામમાં રહેલા માર્ગોના નામ શહીદ જવાનો પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હુમલામાં શહીદ થયેલા જવાનોની ઓળખ કરવામાં આવી છે. શહીદ થયેલા જવાનોમાં ચંદૌલીના અવધેશ , અલ્હાબાદના મહેશ, શામલીના પ્રદીપ અને અમિત કુમાર, વારાણસીના રમેશ યાદવ, આગરાના કૌશવલ કુમાર યાદવ, ઉન્નાવના અજિત કુમાર, કાનપુર ગ્રામીણ વિસ્તારના શ્યામ બાબુ, કન્નોજના પ્રદીપ સિંહ અને દેવરિયાના વિજય મૌર્ય સામેલ છે. પુલવામા વિસ્તારમાં તૈનાત શામલીના પ્રદીપ બનત ગામના નિવાસી હતા. તેમના શહીદ થયા હોવાના સમાચાર ફેલાતાની સાથ આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. જમ્મુ કાશ્મીરના ત્રાસવાદી હુમલામાં ઉન્નાવના અજિત કુમાર શહીદ થયા હતા.
મૈનપુરીના રામ વકીલ પણ આ હુમલામાં શહીદ થયા છે. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગઇકાલે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉરી-૨ તરીકે કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૪થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા હતા. ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે.