દિવાળીના તહેવાર પર કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને રોજિંદા ઉપયોગની નાની-મોટી વસ્તુઓ અથવા મીઠાઈ ભેટમાં આપે છે. જોકે, દિલ્હીની એક કંપનીએ પોતાના કર્મચારીઓને iPhone 16 ભેટ આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. મંગળવારે બપોરે આ સેલિબ્રેશનનો વીડિયો ‘ફાઇનાન્સરસાબ’ નામની કંપનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. કંપનીએ સાથે એવું પણ કહ્યું કે દિવાળીની ગિફ્ટ આપવાની બાબતમાં તેની કોઈ સાથે સ્પર્ધા નથી.
દરેક કર્મચારીના ડેસ્ક પર મૂક્યો iPhone 16
15 સેકન્ડની આ ઇન્સ્ટાગ્રામ રીલમાં દરેક લેપટોપ અને ડેસ્કટોપની સામે એક-એક iPhone મૂકેલો જોવા મળે છે. દરેક ફોન પર સુંદર રિબન પણ લગાવવામાં આવી છે. વીડિયોમાં પહેલો ફોન સફેદ, બીજો લીલો, ત્રીજો વાદળી અને ચોથો કાળા રંગનો જોવા મળે છે. ડેસ્ક પર કુલ 12 iPhone મૂકેલા નજરે પડે છે.
વીડિયોના અંતમાં કેટલીક મહિલા કર્મચારીઓ પણ જોવા મળે છે, જેઓ iPhone 16 મળતાં પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે. કંપનીની આ અનોખી દિવાળી ગિફ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
લોકોએ કહ્યું- આ તો AIનો કમાલ છે!
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સામે આવતાં જ કેટલાક લોકોએ તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની કમાલ ગણાવી હતી. એક યુઝરે કોમેન્ટમાં ‘AI’ લખીને શંકા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં કંપનીએ હસતાં હસતાં લખ્યું, “ફરીથી જુઓ. આ AI નથી.”
ત્યારબાદ આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. કેટલાક યુઝર્સે કંપનીમાં નોકરી મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી, તો કેટલાકે મજાકિયા અંદાજમાં પોતાની દિવાળીની ગિફ્ટ વિશે કોમેન્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પર યુઝર્સની મજેદાર કોમેન્ટ્સ
કંપનીના આ વીડિયો પર યુઝર્સે અનેક રસપ્રદ કોમેન્ટ્સ કરી હતી.
– એક યુઝરે લખ્યું, “હું પણ આ કંપનીમાં જોડાવા માગું છું. અહીં કોઈ જગ્યા ખાલી છે?”
– બીજા યુઝરે મજાકમાં લખ્યું, “લાગે છે કે દિવાળી સુધી ઇન્સ્ટાગ્રામ ચલાવવાનું બંધ કરવું પડશે, નહીં તો આવી દિવાળી ગિફ્ટવાળી રીલ્સ જોઈને પરેશાની થશે.”
– ત્રીજા યુઝરે લખ્યું, “લાગે છે બોસે માત્ર છોકરીઓને iPhone આપ્યા અને છોકરાઓને સોનાની ગિન્નીઓ આપી.”
– ચોથા યુઝરે પોતાની વ્યથા વ્યક્ત કરતાં લખ્યું, “અમને તો સોનપાપડીનું એક બોક્સ પણ ન મળ્યું.”
કંપનીની આ દિવાળી ગિફ્ટ અને તેના વીડિયો પર આવી રહેલી મજેદાર પ્રતિક્રિયાઓને કારણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

