અર્નબ બાદ વધુ એક વાવાઝોડું મચાવશે તાંડવ! દેશનાં 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; IMDની આગાહી

Rudra
2 Min Read

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશરનું ક્ષેત્ર ઝડપથી મજબૂત બની રહ્યું છે. આગામી 12થી 18 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 2 નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશનાં 20 રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 40થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક રાજ્યોમાં વરસાદની સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

IMDની આગાહી મુજબ, આ હવામાન પ્રણાલીની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ, ઓડિશા અને આસપાસનાં રાજ્યોમાં જોવા મળી શકે છે. 2 નવેમ્બરે તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની આશંકા છે.

બંગાળની ખાડીમાં દરિયાઈ ગતિવિધિઓને લઈને પણ વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 1 નવેમ્બરની બપોરથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં પવનની ઝડપ 65થી 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જ્યારે 2 નવેમ્બરની સવારથી 3 નવેમ્બરની બપોર સુધી પવનની ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક અને ઝંઝાવાતી ઝોકામાં 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

કયા 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ?

હવામાન વિભાગે નીચે જણાવેલાં 20 રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે.

1. તમિલનાડુ
2. કેરળ
3. આંધ્રપ્રદેશ
4. કર્ણાટક
5. તેલંગાણા
6. પશ્ચિમ બંગાળ
7. સિક્કિમ
8. ઝારખંડ
9. બિહાર
10. ઓડિશા
11. મધ્યપ્રદેશ
12. મહારાષ્ટ્ર
13. છત્તીસગઢ
14. અરુણાચલ પ્રદેશ
15. આસામ
16. મેઘાલય
17. નાગાલેન્ડ
18. મણિપુર
19. મિઝોરમ
20. ત્રિપુરા

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

હવામાન વિભાગે માછીમારો માટે પણ વિશેષ સૂચના જાહેર કરી છે. 1થી 4 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીના અસરગ્રસ્ત વિસ્તારો અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સંભવિત ચક્રવાત અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આ સાવચેતી રાખવા જણાવાયું છે.

Share This Article