Bihar : બિહારના વૈશાલી જિલ્લામાં રાધોપુર ગામ નજીક ગંગા નદીમાં બોટ પલટી જવાની દુઃખદ ઘટનામાં 13 બાળકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રામ પ્રવેશ રાયના પરિવારના સભ્યો બોટમાં સવાર થઈને એક ભોજન સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંગા નદીમાં બોટ પલટી જતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના 13 સભ્યોનાં મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
હાલમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ પર રહેલા પૂજ્ય મોરારી બાપુને આ દુઃખદ ઘટના અંગે જાણ થતાં તેમણે શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને સહાયરૂપ થવા માટે રૂ. 2 લાખની સહાયરાશિ અર્પણ કરી છે.
આ સહાયની રકમ રામકથાના મુંબઈસ્થિત એક શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ સુધી પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારી બાપુએ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
આ દુર્ઘટનાથી શોકની લાગણી વ્યાપી છે. એક જ પરિવારના અનેક સભ્યોને ગુમાવવાના આ આઘાત વચ્ચે મોરારી બાપુ દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય પરિવારજનોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનો પ્રયાસ છે.

