ટીવીની દુનિયામાં પોતાની ક્યૂટનેસ અને ચુલબુલા અંદાજથી લાખો લોકોનાં દિલ જીતનાર અભિનેત્રી નીતિ ટેલર આજે ઘરે-ઘરે જાણીતી છે. એમટીવીના લોકપ્રિય શો ‘કૈસી યે યારિયાં’માં નંદિનીનું પાત્ર ભજવીને તેણે અનેક ચાહકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. નીતિએ પોતાની અભિનય કારકિર્દીમાં ‘ગુલામ’ અને ‘બડે અચ્છે લગતે હૈં’ જેવા લોકપ્રિય શોમાં પણ કામ કર્યું છે.
પોતાના હાસ્ય અને ક્યૂટનેસ માટે જાણીતી નીતિ ટેલર હંમેશાં હસતી-મુસ્કુરાતી જોવા મળે છે. જોકે, પડદા પર દેખાતી આ ખુશીની પાછળ તેણે ભૂતકાળના એક ખૌફનાક અનુભવને છુપાવી રાખ્યો હતો. તાજેતરમાં નીતિએ પોતાના એક જૂના સંબંધ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
‘હાઉટેરફ્લાય’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નીતિ ટેલરે ભૂતકાળના એક ટોક્સિક અને શારીરિક શોષણથી ભરેલા સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે સંબંધમાં તેનો પૂર્વ બોયફ્રેન્ડ તેના પર અનેક પ્રકારનાં અંકૂશ મૂકતો હતો. તે નીતિનાં કપડાં પહેરવાની રીત, તેના મિત્રો અને તેની અવરજવર અંગે સતત સવાલો કરતો હતો.
નીતિએ ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે તે સમયે તેની ઉંમર ઘણી ઓછી હતી. જ્યારે તેનો પૂર્વ બોયફ્રેન્ડ તેની સ્વતંત્રતા પર સવાલો ઉઠાવતો, ત્યારે તે પોતાને જ સમજાવતી કે કદાચ તે તેની ભલાઈ કે ચિંતા માટે આવું કરતો હશે. ઇન્ટરવ્યૂ દરમિયાન નીતિએ એક ડરામણી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જે તેના પૂર્વ બોયફ્રેન્ડની જન્મદિવસની પાર્ટી દરમિયાન બની હતી. પાર્ટીનો માહોલ તેને પસંદ ન આવતાં તેણે પોતાના મિત્રો સાથે ત્યાંથી જવાનો નિર્ણય લીધો હતો. જોકે, જતાં પહેલાં જ્યારે તે પોતાના પૂર્વ બોયફ્રેન્ડને અલવિદા કહેવા ગઈ, ત્યારે તેણે તેને રોકી લીધી હતી.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે મિત્રો સાથે જવાની પરવાનગી માગી, ત્યારે મામલો એટલો વણસી ગયો કે ઘરની બહાર તેના પૂર્વ બોયફ્રેન્ડે તેને ધક્કો માર્યો અને થપ્પડ પણ મારી હતી. આશ્ચર્યની વાત એ હતી કે આ સમગ્ર ઘટના બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાંના સુરક્ષા કર્મચારીઓએ નીતિના મિત્રોને જણાવ્યું હતું કે આવી મારપીટની ઘટનાઓ ત્યાં અવારનવાર બનતી રહેતી હતી.
નીતિના જણાવ્યા અનુસાર, તેના પૂર્વ બોયફ્રેન્ડનું વર્તન માત્ર પાર્ટી પૂરતું જ મર્યાદિત નહોતું. પાર્ટીમાંથી ઘરે પરત ફર્યા બાદ પણ તેનો ગુસ્સો શાંત થયો નહોતો. નીતિએ જણાવ્યું કે જ્યારે તે ઘરે પહોંચી, ત્યારે તેનો પૂર્વ બોયફ્રેન્ડ પણ તેની પાછળ આવ્યો હતો અને મિત્રો સાથે જવા બદલ તેના પર ગુસ્સે થવા લાગ્યો હતો. તે સમયે તે સિગારેટ પી રહ્યો હતો અને સતત નીતિ પર બૂમો પાડી રહ્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં તેણે કથિત રીતે નીતિને સળગતી સિગારેટથી દઝાડી હતી. આ દુઃખદ અનુભવ વિશે વાત કરતાં નીતિએ જણાવ્યું કે તેની ત્વચા પર આ ઘટનાના નિશાન આજે પણ તેના શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે.
નીતિ ટેલરની કારકિર્દીની વાત કરીએ તો તેણે અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પહેલાં જાહેરાતોમાં કામ કર્યું હતું. જોકે, એમટીવીના લોકપ્રિય શો ‘કૈસી યે યારિયાં’માં નંદિનીના પાત્રથી તેને અસલી ઓળખ મળી હતી. ત્યારબાદ તેણે ‘ગુલામ’, ‘ઇશ્કબાઝ’ અને ‘બડે અચ્છે લગતે હૈં’ જેવા જાણીતા ટીવી શોમાં કામ કરીને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.
નીતિના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2020માં પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ અને આર્મી ઓફિસર પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ત્યારબાદ બંને અલગ થયાની ખબરો પણ ચર્ચામાં રહી હતી.
ભૂતકાળના મુશ્કેલ સંબંધ અને શારીરિક શોષણના અનુભવ વિશે નીતિએ જે હિંમત સાથે વાત કરી છે, તે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે. તેના આ ખુલાસાથી એ વાત પણ સામે આવે છે કે સંબંધમાં પ્રેમ અને કાળજીના નામે કોઈની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવું કે તેની સાથે હિંસા કરવી યોગ્ય નથી.

