“આ કઈ ભેંસને લઈ લીધી?” ‘ધમાલ 4’માં લીડ એક્ટ્રેસ અંજલિ આનંદને ટ્રોલર્સે બનાવી નિશાન

Rudra
3 Min Read

Dhamaal 4 Actress: અભિનેત્રી અંજલિ આનંદને રિતેશ દેશમુખ સાથે ફિલ્મ ‘ધમાલ 4’માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની તક મળવામાં લગભગ એક દાયકાનો સમય લાગ્યો. OTT અને ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અંજલિને તેમના વજન અને દેખાવને કારણે વર્ષોથી ટ્રોલિંગ અને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ પણ તેમના માટે પરિસ્થિતિમાં ખાસ ફેરફાર આવ્યો નહોતો.

‘ધમાલ 4’માં કામ કરવાની ખુશી

અંજલિ આનંદે કહ્યું કે, “‘ધમાલ’ જેવી લોકપ્રિય ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવું મારા માટે સપનું સાકાર થવા જેવું છે. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે મેં ‘ધમાલ 4’ માટે શૂટિંગ કર્યું છે. મને આ પ્રકારની કોમેડી ફિલ્મો ખૂબ ગમે છે અને હું લાંબા સમયથી આવી તકની રાહ જોઈ રહી હતી.”

તેમણે રિતેશ દેશમુખ સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. અંજલિએ કહ્યું કે રિતેશ ખૂબ જ સારા અને વિનમ્ર વ્યક્તિ છે અને તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તેમણે અજય દેવગણ, જાવેદ જાફરી, અરશદ વારસી, રવિ કિશન અને સંજીદા શેખ સાથે કામ કરવાનો અનુભવ પણ યાદગાર ગણાવ્યો.

ટ્રેલર બાદ ફરી બોડી શેમિંગનો સામનો

ફિલ્મના ટ્રેલર બાદ સોશિયલ મીડિયા પર અંજલિના વજનને લઈને અનેક ટિપ્પણીઓ કરવામાં આવી. આ અંગે તેમણે કહ્યું કે લોકો હજુ પણ તેમને ઓનલાઈન ટ્રોલ કરે છે. તેમના જણાવ્યા અનુસાર કેટલાક યુઝર્સે લખ્યું કે, “આ કોને હિરોઈન બનાવી?”, “રિતેશ સાથે આને કેમ કાસ્ટ કરી?” અને “શું હવે ઈન્ડસ્ટ્રીમાં હિરોઈનો ખૂટી ગઈ?” જેવી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી.

‘જ્યાં સુધી સમાજ નહીં બદલાય, ત્યાં સુધી ફિલ્મો પણ નહીં બદલાય’

અંજલિ આનંદે કહ્યું કે જો કોઈ જાડી યુવતીનું પાત્ર હશે તો તે જરૂર કરશે, કારણ કે જો તે નહીં કરે તો કોઈ બીજું કરશે. જોકે તે પોતાના પાત્રને ક્યારેય દયાપાત્ર તરીકે રજૂ કરવા માંગતી નથી. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં તેમનું પાત્ર ‘પારો’ એક મજબૂત યુવતીનું છે. લોકો ફિલ્મ જોશે ત્યારે સમજાશે કે તેનું પાત્ર કેમ મહત્વનું છે. અંજલિના મતે, “જ્યાં સુધી વાસ્તવિક જીવનમાં લોકો જાડા લોકોની મજાક ઉડાવવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સિનેમામાં પણ આવા દૃશ્યો જોવા મળશે. સિનેમા સમાજનું પ્રતિબિંબ છે.”

‘મારું કામ જ મારી ઓળખ બનશે’

અંજલિએ વધુમાં કહ્યું કે તેઓ મોટી ફિલ્મોમાં કામ કરીને એવી સ્થિતિમાં પહોંચવા માંગે છે, જ્યાં તેમના માટે અલગ પ્રકારના પાત્રો લખવામાં આવે. તેમણે સ્વીકાર્યું કે હાલમાં તેમને મોટાભાગે તેમના દેખાવને અનુરૂપ પાત્રો જ ઓફર થાય છે. તેમણે અંતમાં કહ્યું, “મને ખબર છે કે હું કોણ છું અને કેવી દેખાઉં છું. જો મારા વજનને કારણે કોઈ પાત્ર મળે તો પણ હું તેને પૂરી ઈમાનદારીથી નિભાવીશ. લોકો મારા નિર્ણયને નહીં, પરંતુ મારા અભિનયને જજે. મારું કામ જ દરેક પ્રશ્નનો જવાબ આપશે.”

 

Share This Article