મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને ₹1.95 લાખની સહાય

News KhabarPatri
1 Min Read

મુંબઈ/મહુવા: દેશના વિવિધ ભાગોમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પૂજ્ય મોરારિબાપુએ ઊંડી શોકસંવેદના વ્યક્ત કરી છે અને દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ નજીક માનખૂર્દ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશાયી થતાં છ લોકોના કરુણ મોત નીપજ્યાં હતાં. ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ સંબંધિત અલગ-અલગ દુર્ઘટનાઓમાં વધુ સાત લોકોનાં મૃત્યુ થયાં છે. આમ કુલ 13 લોકોનાં અવસાન થયાં છે.

આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને પૂજ્ય મોરારિબાપુએ મૃતકોના પરિવારજનોને રૂ. 15,000 લેખે કુલ રૂ. 1,95,000ની આર્થિક સહાય અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સહાય મુંબઈ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સંબંધિત પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે.

મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરતાં તમામ દિવંગત આત્માઓને શાંતિ મળે તેમજ શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે.

Share This Article