૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના એંધાણ વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા ત્રીજો મોરચો રચવામાં આવી શકે છે. કોંગ્રેસ સિવાયના જે પણ વિપક્ષો છે તેઓમાંથી મોટા પક્ષો એક થઇને ત્રીજો મોરચો રચી શકે છે તેવા અહેવાલો હતા. જોકે આ સ્થિતિ વચ્ચે શરદ યાદવે દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણી પહેલા બધા વિપક્ષો હાથ મિલાવશે અને ત્રીજા મોરચાની જરુર નહીં રહે.
શરદ યાદવે દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને અન્ય પક્ષો મળીને ભાજપને 2019માં હરાવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ, પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા બેઠક મળી હતી અને ત્રીજા મોરચા અંગે ચર્ચા કરી હતી. ચંદ્રશેખર રાવ પણ ત્રીજા મોરચાની તરફેણમાં છે.
આ સ્થિતિ વચ્ચે શરદ યાદવે જણાવ્યું હતું કે ભાજપની સામે વિપક્ષો એક થાય તો તેમાં કોઇ જ વાંધો નથી પણ ત્રીજો મોરચો શક્ય નથી. બધા જ વિપક્ષો એક થઇ જશે. સાથે શરદ યાદવે એવો પણ દાવો કર્યો હતો કે જો વિપક્ષો એક ન થયા તો આગામી ચૂંટણીમાં ભાજપ દરેક વિપક્ષોને પાઠ ભણાવી શકે તેવું પરીણામ પણ આવી શકે છે.