નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના પ્રથમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાની સરકારની સિદ્ધિઓને ગણાવીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતુ ંકે, ૨૦૧૯ની ચૂંટણી એક વૈચારિક યુદ્ધ સમાન છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ભાજપ પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવશે. ઉત્તરપ્રદેશમાં૭૩-૭૪ સીટો જીતવાનો પણ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુનિયામાં નરેન્દ્ર મોદી જેવા નેતા હાલમાં કોઇપણ પાર્ટી પાસે નથી. ગઠબંધનને લઇને બની રહેલા સમીકરણ ઉપર વાત કરતા શાહે કહ્યું હતું કે, આ ગઠબંધન દેખાવવા પુરતા છે.
ભાજપ ગરીબોના કલ્યાણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને આગળ વધારી રહી છે. જ્યારે વિપક્ષી દળો માત્ર સત્તા માટે એક સાથે આવવાની યોજના બનાવી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત અધિવેશનમાં ભાજપના કાર્યકરોને અપીલ કરતા કહ્યું હતું કે, ૨૦૧૯માં મોદીની સરકાર બનશે તો કેરળ સુધી ભાજપ સરકાર બનાવી લેશે. શાહે એમ પણ કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણી ખુબ જ પડકારરુપ ચૂંટણી છે. સ્વચ્છતા, ગંગાના પાણીના શુદ્ધિકરણ, બેટી બચાવો, બેટી પઢાવો જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને શાહે ભાજપ સરકારની પ્રશંસા કરી હતી. રામ મંદિરના મુદ્દા ઉપર પણ અમિત શાહે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ભાજપ ઇચ્છે છે કે, વહેલીતકે એજ સ્થળ પર મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવે. આમા કોઇપણ પ્રકારની દુવિધા નથી. શાહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વહેલીતકે કેસનો નિકાલ આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. અમિત શાહે ખાતરી આપતા કહ્યું હતું કે, અમે રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ છીએ તેની અમે ખાતરી આપીએ છીએ.કેટલાક સમયથી ઘણા લોકો જામીન ઉપર ફરી રહ્યા છે. તેમના ઉપર ઇન્કમટેક્સના ૬૦૦ કરોડ રૂપિયા બાકી છે. આ પ્રકારના લોકો આજે મોદી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી રાફેલ ડિલને લઇને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહી છે. દરેક રક્ષા સોદાબાજીમાં દલાલી થઇ હતી. હવે મિશેલ મામા પકડાઈ ચુક્યા છે. અમિત શાહે સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૫૦થી વધારે ઐતિહાસિક ચુકાદા આવ્યા છે. સાડા ચાર વર્ષમાં નવ કરોડ શૌચાલય બની ચુક્યા છે. ૨૦૧૪ સુધી ૬૦ કરોડ એવા ઘર હતા જેમની પાસે બેંક ખાતા ન હતા. આજે તમામ પાસે બેંક ખાતા છે. સપ્તાહમાં બે મોટા નિર્ણયો થઇ ચુક્યા છે જે પૈકી સામાન્ય વર્ગના લોકોને ૧૦ ટકા અનામતનો સમાવેશ થાય છે.