૨૦૦૦ રૂપિયાની નોટો પુરતા પ્રમાણમાં વપરાશમાં રહેલી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગે આજે કહ્યું હતું કે, રૂપિયા ૨૦૦૦ની નોટ પુરતા પ્રમાણમાં સરક્યુલેશનમાં છે જેથી ભારતે ૨૦૦૦ રૂપિયાની નવી નોટ પ્રિન્ટ કરવાને લઇને કોઇ નિર્ણય કર્યો નથી. ૨૦૦૦ રૂપિયાની નોટ જરૂરીયાત કરતા પણ વધુ પ્રમાણમાં સરક્યુલેશનમાં છે. નોટ પ્રિન્ટિંગની પ્રક્રિયા જરૂરિયાત મુજબ હાથ ધરવામાં આવે છે. રૂપિયા ૨૦૦૦ની નોટ કુલ સરક્યુલેશનમાં રહેલી કિંમતની નોટો પૈકી ૩૫ ટકા નોટમાં છે. નવી ૨૦૦૦ રૂપિયાની નોટ પ્રિન્ટ કરવાના સંદર્ભમાં કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ટ્વિટ કરીને ગર્ગે કહ્યું છે કે, હાલમાં મિડિયામાં આવી રહેલા અહેવાલ આધારવગરના છે.

મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે ૨૦૦૦ રૂપિયાની નવી નોટ પ્રિન્ટિંગ કરવાનું બંધ કર્યું છે અને તબક્કાવારરીતે આ નોટ પરત ખેંચવાની યોજના છે.  ગઇકાલે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તબક્કાવારરીતે રૂપિયા ૨૦૦૦ની નોટને ઓછી કરી દેવાના ઇરાદા સાથે આ હિલચાલ ચાલી રહી છે. આ ૨૦૦૦ રૂપિયાની નવી નોટનો ઉપયોગ પણ મની લોન્ડરિંગ, કરચોરી અને સંગ્રહખોરી માટે કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલ બાદથી આ હિલચાલ હાથ ધરવામાં આવી છે.

નોટબંધી બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂપિયા ૨૦૦૦ની નવી નોટ રજૂ કરવામાં આવી હતી. માર્ચ ૨૦૧૮માં સરક્યુલેશનમાં કરન્સી નોટની કુલ કિંમત ૧૮.૦૩ ટ્રિલિયન હતી જે પૈકી ૬.૭૩ ટ્રિલિયન અથવા તો ૩૭ ટકા રકમ ૨૦૦૦ રૂપિયાની નોટમાં હતી જ્યારે ૭.૭૩ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૪૩ ટકા રકમ રૂપિયા ૫૦૦ના નોટમાં રહેલી છે જ્યારે બાકીની રકમ નાના દરના નોટમાં છે. રૂપિયા ૨૦૦૦ની નોટને લઇને ભારે અટકળો હાલમાં ચાલી રહી છે.

Share This Article