શ્રીનગર, નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ આજે ભીષણ હુમલો કર્યો હતો. આઈઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ૩૦ જવાનો શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. સીઆરપીએફ કાફલા ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે પર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં હાલના સમયનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે. ઉરી જેવા જ મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને આ હુમલો કરાયો હતો. જમ્મુ કાશ્મીરના હજુ પણ હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે આતંકવાદીઓનો ખાત્મો થઇ રહ્યો છે ત્યારે હચમચી ઉઠેલા ત્રાસવાદી કેટલાક હુમલાને અંજામ આપી દહેશત ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. હજુ પણ હુમલાનો ખતરો હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ તમામ એરબેઝ કેમ્પ, આર્મી કેમ્પને એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ સરહદી સુરક્ષા દળના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, એલઓસીની બીજી બાજુએ ૨૦૦ ત્રાસવાદી ઘુસણખોરી કરવાની રાહ જાઈ રહ્યા છે જેથી હજુ હુમલાઓનો ખતરો તોળાઈ રહ્યો છે. બરફના વરસાદના કારણે રસ્તો બંધ થઇ જવાના લીધે આ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી શક્યા નથી પરંતુ હવે આતંકવાદીઓ હુમલા કરવા માટે ઘુસણખોરી કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઘુસણખોરી માટે તૈયાર હોવા છતાં સૈનિક હાઈએલર્ટ પર છે.
દિનરાત પેટ્રોલિંગ કરી રહ્યા છે જેના લીધે પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓ હાજરી પુરવાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવા પ્રયાસ કરી શકે છે. બીજી બાજુ પાકિસ્તાની મિડિયામાં આ અહેવાલની આજે દિવસભર ચર્ચા રહી હતી. કાશ્મીર ખીણમાં છેલ્લા બે મહિનાથી રક્તપાતનો દોર જારી રહ્યો છે. આનો લાભ લઇને ત્રાસવાદીઓ આગળ વધી રહ્યા છે.