આવનારા સમયના અત્યાધૂનિક, સાતત્યપૂર્ણ અને વસવાટ માટેની શ્રેષ્ઠ સુવિધા ધરાવતા ધોલેરા શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન માટે મહત્વપૂર્ણ એવી પાયાની બે સુવિધાઓ રૂપે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પીપળી-ધોલેરા પાણીની પાઇપ લાઇનના પ્રોજેકટનો શિલાન્યાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર માટે મહત્વના સ્થળ અને ઔદ્યોગિક કલસ્ટર તરીકે વિકસી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન અને ધોલેરા શહેર, પશ્ચિમ ભારતના ડેડિકેટેડ ફ્રેઇટ કોરીડોર માટે મહત્વરૂપ ઔદ્યોગિક મથક બની રહેશે. આગામી વર્ષ-૨૦૪૦ સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી તૈયાર થનારૂ ધોલેરા ઔદ્યોગિક મથક ૨૦ લાખની વસ્તી ધરાવતું અને અંદાજે આઠ લાખ બેરોજગારોને રોજગારી પુરૂ પાડતું ધમધમતું અને અત્યાધુનિક ઔદ્યોગિક શહેર બની રહેશે. આ પ્રોજેકટના વિકાસ માટે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિ.ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોર્રેશન લિ. દ્વારા કેન્દ્ર સરકારનો ૪૯ ટકા અને ધોલેરા સર ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા રાજ્ય સરકારનો ૫૧ ટકા હિસ્સો રહેલો છે. આ પ્રોજેકટ માટે દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. ઇકવીટી સ્વરૂપે રૂ. ૩૦૦૦ કરોડનો સહયોગ અને ધોલેરા સર ડેવલપમેન્ટ ઓથોરીટી અંદાજે રૂ.૩૦૦૦ કરોડની કિંમતની ૫૨૦૪ હેકટર જમીનના સ્વરૂપમાં સહયોગ આપી રહ્યા છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે પીપળીથી ધોલેરા વચ્ચેની જળ પરિવહન પાઇપ લાઇનની શિલારોપણ વિધિ થવાની છે તેમાં નર્મદા મુખ્ય કેનાલ સાથેના પીપળી પમ્પીંગ સ્ટેશનથી કડીપુર ગામ નજીક તૈયાર થનારા ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રો-વોટર લઇ જતી ૧૩.૫ કિ.મી.ની પાઇપ લાઇન તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ધોલેરા સુધી પીવા લાયક શુદ્ધ પાણીનું પરિવહન કરતી ૯.૫ કિ.મી.ની પાઇપ લાઇનના પ્રોજેકટનો સમાવેશ થાય છે.
ધોલેરા નગરના પાંજરાપોળ મેદાન ખાતે રવિવારે યોજાનારા કાર્યક્રમમાં કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.