રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર મહારાષ્ટ્રના પુણેમાં લિફ્ટ અકસ્માતમાંથી બચી ગયા હતા. એનસીપી નેતા અને તેમની સાથે ત્રણ અન્ય લોકો લિફ્ટમાં હતા ત્યારે લિફ્ટ અચાનક ત્રીજા માળેથી નીચે પડી ગઈ હતી. આ સમય દરમિયાન લિફ્ટમાં બેઠેલા તમામ લોકો અકસ્માતમાંથી બચી ગયા હતા. અજીત પવારે જણાવ્યું હતું કે, એક ડૉક્ટર અને અન્ય બે લોકો પુણેની એક હોસ્પિટલની લિફ્ટમાં સવાર હતા, તે દરમિયાન અચાનક લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પડી ગઈ હતી.
બારામતીમાં એક કાર્યક્રમમાં અજીત પવારે જણાવ્યું કે, તેઓ એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ગયા હતા, તે સમય દરમિયાન લિફ્ટ પડવાનો અકસ્માત થયો હતો. સ્ટ્રેચર લિફ્ટમાં, હું, બે સુરક્ષા કર્મચારીઓ અને એક ડૉક્ટર સાથે, ત્રીજા માળેથી ચોથા માળે જઈ રહ્યા હતા. પરંતુ, લિફ્ટ કામ કરતી બંધ થઈ ગઈ હતી અને પછી અચાનક વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેના કારણે લિફ્ટ અચાનક નીચે પડતાં સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી હતી.દુર્ઘટના સમયે લિફ્ટમાં રહેલા સુરક્ષા કર્મચારીઓની પ્રશંસા કરતા અજીત પવારે કહ્યું કે સુરક્ષા કર્મચારીઓ લિફ્ટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરને થોડી ઈજાઓ થઈ હતી.
અજીત પવારે કહ્યું કે તેણે અત્યાર સુધી આ ઘટના અંગે તેની પત્નીને જણાવ્યું નથી. અજિત પવારના પિતરાઈ બહેન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આકસ્મિક રીતે આગ લાગી હતી. સુપ્રિયા સુલેએ બાદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે તે સુરક્ષિત છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. બારામતીના સાંસદ સુપ્રિયા સુલે, હિંજવાડીમાં એક કરાટે સ્પર્ધાના ઉદ્ઘાટન માટે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવતી વખતે તેમની સાડીમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં સુપ્રિયા સુલેની સાડીને હાર પહેરાવતી વખતે ટેબલ પર મૂકેલા દીવાથી આગ લાગી હતી. સુપ્રિયા સુલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરાટે સ્પર્ધાના ઉદ્ઘાટન દરમિયાન તેની સાડીમાં અકસ્માતે આગ લાગી હતી. જોકે સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તમામ શુભેચ્છકો, પક્ષના કાર્યકરો અને નેતાઓને વિનંતી છે કે ચિંતા ન કરો કારણ કે હું સુરક્ષિત છું.