મુંબઈમાં દક્ષિણ કોરિયન યુટ્યુબર યુવતીની છેડતી કરવા બદલ ૨ લોકોની ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈમાં દક્ષિણ કોરિયન મહિલા યુટ્યુબરની કથિત છેડતીના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરી આલમ તરીકે થઈ છે. યુવતી સાથે છેડતીનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના અંગે યુટ્યુબરનું નિવેદન પણ સામે આવ્યું છે. યુવતીએ કહ્યું કે તેની સાથે બીજા દેશમાં પણ આવું બન્યું હતું પરંતુ તે સમયે તે પોલીસને બોલાવવા માટે કંઈ કરી શકી ન હતી. ભારતમાં ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીએ કહ્યું, “હું ૩ અઠવાડિયાથી વધુ સમયથી મુંબઈમાં છું અને વધુ સમય રહેવાની યોજના બનાવી રહી છું. હું નથી ઈચ્છતી કે આ એક ખરાબ ઘટનાથી મારી આખી સફર અને અન્ય દેશોને અદ્ભુત ભારત બતાવવાના મારા જુસ્સાને બગાડે.

જણાવી દઈએ કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે તેમને આ સંબંધમાં કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તેઓએ જાતે જ આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. વીડિયો શેર કરનાર ટિ્‌વટર એકાઉન્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીડિતા દક્ષિણ કોરિયાની નાગરિક છે અને રાત્રે ૮ વાગ્યાની આસપાસ આ ઘટના બની ત્યારે ઉપનગરીય ખાર વિસ્તારમાં ‘લાઇવસ્ટ્રીમિંગ’ કરી રહી હતી. લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુવક અચાનક યુવતીની ખૂબ નજીક આવી જાય છે. પછી મહિલાનો હાથ પકડીને ખેંચવા લાગે છે. મહિલા વિરોધ કરે છે છતાં તેનો હાથ ખેંચવાનો પ્રયાસ કરે છે. જ્યારે મહિલા સ્થળ પરથી જતી રહી ત્યારે તે જ વ્યક્તિ તેના એક મિત્ર સાથે મોટરસાઇકલ પર આવે છે. તે મહિલાને તેને તેના ઘરે મૂકવા કહે છે પરંતુ મહિલાએ અંગ્રેજીમાં ના પાડી દીધી. જ્યારે મહિલાએ ના પાડી તો તેને બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયત્ન કર્યો.

Share This Article