નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી નાણા અને શહેરી વિકાસ મંત્રાલય લઇ લેવામાં આવ્યા છે, આ જ કારણે નીતિન પટેલ નારાજ હોવાનું જણાઇ રહ્યું છે. આ ઘટનાને લઇ તેમના સમર્થકો નીતિન પટેલની મુલાકાત લઇ રહ્યા છે.
નીતિન પટેલના નિવાસ્થાને સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ પણ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ ૧લી જાન્યુઆરીએ મહેસાણા બંધના એલાનની લાલજી પટેલે જાહેરાત કરી હતી.
કાર્યકરોની ઇચ્છા એવી ધરાવે છે કે નીતિનભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તેમની સાથે અન્યાય થયો છે, તેમની સાથે અયોગ્ય વહેવાર કરવામાં આવ્યો છે. તેમની ગરિમા સાચવવામાં ભાજપ ઉણી ઉતરી છે, કારણ કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા અપાવવામાં તેમનો બહોળો ફાળો રહ્યો છે. – તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.
નીતિન પટેલ પાટીદાર સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના નેતા છે. બે વાર મુખ્યમંત્રી તરીકે નીતિનભાઇ પટેલનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છતાં તેમની નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સોપવામાં આવ્યો છે. ભાજપ હંમેશાથી પાટીદાર સમાજને અન્યાય કરતો આવ્યો છે, પણ હવે પાટીદાર સમાજના લોકો જાગૃત થઇ ગયા છે.