અમદાવાદ : ગુજરાતના એક ગામની આ યુવા ફૂટબોલર મુસ્કાનનું સ્વપ્ન હવે સાકાર થવા જઇ રહ્યું છે. તે આગામી અઠવાડિયે ઇંગ્લેંડમાં યોજાનારા “ધ હોમલેસ વર્લ્ડ કપ”ની ૧૭મી એડિશનમાં પોતાનું પરફોર્મન્સ દેખાડશે. મુસ્કાન ૫૦ દેશોમાંથી ૫૦૦ ખેલાડીઓમાંની એક છે, જે ૨૭મી જુલાઇથી ૩જી ઓગસ્ટ ૨૦૧૯ સુધી ઇંગ્લેંડના કાર્ડિફના આઇકોનિટ બુટી પાર્કમાં આયોજીત “ધ હોમલેસ વર્લ્ડ કપ”માં રમશે.
ગુજરાતની મુસ્કાન દેશભરમાંના ૧૫ અન્ય યુવાન ફુટબોલર ખેલાડીની સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ ધ હોમલેસ વર્લ્ડ કપ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વાર્ષિક ટૂર્નામેન્ટનો ભાગ બનશે. આ એથલિટ્સના જીવનભરની તકને એક વાસ્તવિક બનાવવા માટે ભારતની સૌથી મોટી એન્ટરટેઇનમેન્ટ કંપની બુક માય શો દ્વારા ચેરિટી કરવામાં આવી છે. આ પહેલમાં બુક સ્માઇલ પાર્ટનર બનીને ૧૬ એથલિટ્સને ઇંગ્લેન્ડમાં યોજાનારા ફૂટબોલ ફેસ્ટિવલમાં તમામ પ્રકારની મદદ કરશે.
આ અંગે વાત કરતા મુસ્કાને કહ્યું કે, મેં ૪ વર્ષ પહેલા ફૂટબોલ રમવાનું શરુ કર્યું હતું. હવે મને આ રમત સાથે પ્રેમ થઇ ગયો છે. મારે આ રમત રમવાની પરવાનગી મેળવવા માટે દરરોજ ફેમિલી અને સંબંધીઓ સાથે લડવું પડતું હતું. હું મારી કોલેજમાં ફૂટબોલ રમતી, જ્યાં ખૂબ સારું ઇન્ફાસ્ટ્રક્ચર છે. “ધ હોમલેસ વર્લ્ડ કપ” ટીમનો ભાગ બનાવવાને લઇને હું ખુબ ખુશ છું. આ મારા માટે એક સ્વપ્ન પુરુ થઇ રહ્યું હોય તેના જેવું છે.
બુકસ્માઇલના હેડ ફરઝાના કામા બલપાંડેએ કહ્યું કે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે “ધ હોમલેસ વર્લ્ડ કપ” એ દિશામાં કામ કરી રહ્યું, જેમાં યંગ એથલિટ્સને સપોર્ટ મળી રહ્યો છે. અમે આ વાતથી ખુશ છીએ કે ભારતના આ યંગ ફૂટબોલરને હોમલેસ વર્લ્ડ કપ ફાઉન્ડેશન સપોર્ટ કરી રહ્યું છે. આ સાથે જેઓએ પોતાના જીવનનું એક લક્ષ્ય બનાવ્યું છે તે એથલિટ્સ આ વાતને લઇને ખુબ ઉત્સાહિત છે. બુકસ્માઇલ માને છે કે બાળકોના વિકાસ માટે સ્પોટ્ર્સ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ બાબતને લઇને હોમલેસ વર્લ્ડ કપ એથલિટ્સને તક આપે છે. આ સ્ટેજ પર ઇન્ટરનેશનલ ટીમોની સાથે સ્પર્ધા કરવા માટે ખેલાડીઓ પોતાની જાતે જ અમુક પ્રકારની તાલીમ મેળવીને સક્ષમ થઇ જાય છે. આ સાથે અમે ઇન્ડિયન ટીમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ.