વડાપ્રધાન મોદીના મત વિસ્તાર એવા વારાણસીમાં રેલવે સ્ટેશનની પાસે નવો બની રહેલો ફલાયઓવર તૂટી પડતાં ૧૬ લોકોનાં કરુણ મોત થયા છે. ફલાયઓવરના કાટમાળમાંથી ત્રણ લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે.
જોકે કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાઇ ગયા હોવાની શંકા છે. આ દુર્ઘટનામાં ફલાયઓવરનો એક ભાગ નીચે પડતા કાર સહિત સાતથી વધુ વાહનોનો કચ્ચરઘાર નીકળી ગયો હતો. આ ફલાયઓવરનું નિર્માણ કેન્ટ રેલવે સ્ટેશનની પાસે કરવામાં આવી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટના અને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને શક્ય તમામ મદદ કરવાની ઓફર કરી હતી. મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્ર અને પીડબ્લ્યુડીના અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં તમામ જરૃરી પગલાં ભરવાના નિર્દેશ આપ્યા છે.
ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું હતું કે પોલીસની સાથે એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. યોગીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘટનાની તપાસ માટે મુખ્યપ્રધાને ઉચ્ચ સ્તરીય સમિતની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ સમિતિને ૪૮ કલાકમાં પોતાનો અહેવાલ સુપ્રત કરવો પડશે.