દેશમાં ફરી કોરોના મહામારીનો પ્રકોપ વધી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૦૭૩ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ૨૧ લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોવિડ-૧૯ના ૧૧૭૩૯ નવા કેસ સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦૭૩ નવા કેસ સામે આવ્યા છે. જે રવિવારની તુલનામાં ૪૫.૪ ટકા વધુ છે. દેશમાં કુલ ૪,૩૪,૦૭,૦૪૬ કોરોના કેસ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪,૫૩,૯૪૦ લોકોનાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પાંચ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે, તેમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. અહીં ૬૪૯૩ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કેરલમાં ૩૩૭૮, દિલ્હીમાં ૧૮૯૧, તમિલનાડુમાં ૧૪૭૨ અને ઉત્તર પ્રદેશમાં ૫૭૨ કેસ સામે આવ્યા છે. નવા કેસમાં ૮૦.૮૭ ટકા આ પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. માત્ર મહારાષ્ટ્રમાં ૩૮.૦૩ ટકા નવા દર્દી મળ્યા છે.
કોરોનાને લીધે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને ૫૨૫૦૨૦ થઈ ગયો છે. પરંતુ રાહતની વાત છે કે દેશમાં રિકવરી રેટ હવે ૯૮.૫૭ ટકા થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૨૦૮ દર્દી સાજા થયા છે. જેથી દેશમાં સાજા થનારાની કુલ સંખ્યા વધીને ૪,૨૭,૮૭,૬૦૬ થઈ ગઈ છે. દેશમાં કુલ ૯૪૪૨૦ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૪૪ કેસ વધ્યા છે. આ સિવાય દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૯,૬૪૬ લોકોનું રસીકરણ થયું છે. જેથી દેશમાં કુલ રસીકરણ કવરેજ ૧,૯૭,૧૧,૯૧,૩૨૯ થઈ ગયું છે.