ગુજરાતની મુલાકાતે આવેલા ૧પમાં કેન્દ્રીય નાણાંપંચ સમક્ષ આજે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય સરકાર સાથેની બેઠકમાં નાણાંપંચે રાજ્યોને પરફોર્મન્સ બેઇઝડ પ્રોત્સાહન આપવાની બાબત પંચના માપદંડમાં આવરી લેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, આના પરિણામે રાજ્યો નાણાકીય તથા અન્ય સામાજીક-આર્થિક પરિપ્રેક્ષ્યમાં બહેતર પ્રદર્શન-પરફોર્મન્સ માટે પ્રેરિત થશે અને દેશ સતત સર્વગ્રાહી વિકાસના પથ પર તેજ ગતિએ આગળ વધશે.
કેન્દ્રીય નાણાંપંચના અધ્યક્ષ એમ. કે. સિંઘના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકાર સાથેની આ બેઠકમાં નાણાંપંચના સભ્યો સર્વ શ્રી શશીકાંતા દાસ, અનુપસિંઘ, ડૉ. અશોક લાહીરી, ડૉ. રમેશચાંદ તેમજ સચિવ શ્રી અરવિંદ મહેતાએ ભાગ લીધો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ અને રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ બેઠકની ચર્ચાઓમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સંવિધાને રાજયોને પ્રમુખ જવાબદારી આપી છે કે પોતાના રાજ્યના નાગરિકો માટે સામાજીક સેવાઓ અને તેને સમતુલ્ય ઉત્તરદાયિત્વને પૂર્ણ કરવા બધા જ પ્રકારની આર્થિક સેવા પ્રદાન કરે. તેમણે ઉમેર્યુ કે, આવી સેવાઓ પ્રદાન કરવા માટે રાજ્યોની આવક અને ખર્ચના અસંતુલનને કારણે રાજ્યોને ઋણ પર નિર્ભર રહેવું પડે છે.
આ સંદર્ભમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ૧૪માં નાણાંપંચની ભલામણોમાં લગભગ ર.પ૦ ટકાની કુલ વૃદ્ધિ થઇ છે પરંતુ એ પણ રાજ્યોની વિકાસ જરૂરીયાતોની આપૂર્તિ માટે પર્યાપ્ત નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે ૧૪માં નાણાંપંચની બહુધા ભલામણોનો રાજ્ય સરકારે અમલ કર્યો છે. મુખ્યમંત્રીએ નાણાપંચને રાજ્યોની મહેસૂલી આવક અને ખર્ચની જવાબદારીઓ વચ્ચેના પ્રવર્તમાન અસંતુલન પર વિચાર કરવાનો પણ અનુગ્રહ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં લગભગ પ૦ ટકા આબાદી શહેરોમાં વસે છે અને શહેરીકરણનો વ્યાપ ઉત્તરોત્તર વધતો રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. તેમણે આ અંગે ભારપૂર્વક જણાવ્યું કે, શહેરી ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા અને સેવાઓમાં ગુણવત્તા માટે શહેરીકરણ સંદર્ભના માપદંડો પણ પંચે સમાવિષ્ટ કરવા જોઇયે.
મુખ્યમંત્રીએ ગુજરાતના સુચારૂ નાણાં વ્યવસ્થાપન અને સર્વગ્રાહી વિકાસની વિશદ છણાવટ કરતાં પંચના અધ્યક્ષ અને સભ્યોને જણાવ્યું કે, દેશની કુલ જનસંખ્યાના પ ટકા આબાદી ધરાવતું ગુજરાત નેશનલ જી.ડી.પી.માં ૭.૬ ટકાનું યોગદાન આપે છે. ગુજરાત ઔદ્યોગિક વિકસીત રાજ્ય હોવા સાથે વ્યાપાર-ઊદ્યોગ માટે પસંદગીનું રાજ્ય પણ છે. એટલું જ નહિ, ભારતના આર્થિક સર્વેક્ષણના ર૦૧૭-૧૮ના અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસમાં ૧૭ ટકા યોગદાન ગુજરાતે આપ્યું છે.
મુખ્યમંત્રીએ આર્થિક વિકાસ સાથે જ સેવાક્ષેત્રોના સર્વગ્રાહી વિકાસને પણ કેન્દ્રવર્તી રાખ્યો છે તેની વિગતો પણ આપી હતી. શિક્ષણ ક્ષેત્રે ગુણોત્સવના માધ્યમથી શિક્ષણ સુધારણા, પાણી પૂરવઠા માટે ૧ર હજારથી વધુ ગામોમાં રાજ્યવ્યાપી વોટરગ્રીડ નેટવર્ક, ર૪ કલાક વીજળી, મહિલા-બાળકલ્યાણ માટે રૂ. ૩૦૮૦ કરોડ, સ્વાસ્થ્ય સેવાઓ માટે રૂ. ૯૭પ૦ કરોડ અને શિક્ષણ માટે સૌથી વધુ રૂ. ર૭પ૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે તેની પણ સંપુર્ણ છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત રેવન્યુ સરપ્લસ રાજ્ય છે તેની વિગતો આપતાં ઉમેર્યુ કે, ર૦૧૬-૧૭ દરમિયાન ફિઝકલ ડેફિસીટ ઘટીને GSDPના ૧.૪ર ટકા થઇ ગઇ છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		