મુસ્લિમ પર્સનલ લો નો હવાલો આપતા ઝારખંડ હાઈકોર્ટે તેના એક ર્નિણયમાં કહ્યું છે કે, ૧૫ વર્ષ કે તેથી વધુ ઉંમરની મુસ્લિમ છોકરીઓને તેમના વાલીઓની દખલ વિના તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા છે. તેના સમુદાયની ૧૫ વર્ષની છોકરી સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ફોજદારી કાર્યવાહીને રદ કરતી વખતે કોર્ટે આ કહ્યું.એફઆઇઆરમાં બિહારના નવાદાના રહેવાસી ૨૪ વર્ષીય મોહમ્મદ સોનુ પર ઝારખંડના જમશેદપુરના જુગસલાઈથી ૧૫ વર્ષની મુસ્લિમ યુવતીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવાનો આરોપ છે. સોનુએ છોકરીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરના આધારે અપરાધિક કાર્યવાહીને કોર્ટમાં પડકારી હતી અને ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જો કે, સુનાવણી દરમિયાન છોકરીના પિતાએ કહ્યું કે તે લગ્નની વિરુદ્ધ નથી. તેની પુત્રી માટે યોગ્ય પતિની શોધ પૂર્ણ કરવા માટે અલ્લાહનો આભાર માનતા, છોકરીના પિતાએ કોર્ટને કહ્યું કે તેણે મોહમ્મદ સોનુ વિરુદ્ધ કોઈક ગેરસમજને કારણે FIR નોંધાવી હતી. છોકરીના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે પણ કોર્ટને કહ્યું કે, બંને પરિવારોએ લગ્ન સ્વીકારી લીધા છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ એસ.કે. દ્વિવેદીની સિંગલ બેન્ચે સોનુ સામે નોંધાયેલી FIR અને તેના આધારે શરૂ કરાયેલી અપરાધિક કાર્યવાહીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. છોકરીના પિતાએ સોનુ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૬૬છ અને ૧૨૦બી હેઠળ એફઆઇઆર નોંધાવી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મુસ્લિમ છોકરીઓના લગ્ન સંબંધિત મામલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સંચાલિત થાય છે. આ ખાસ કેસના સંદર્ભમાં કોર્ટ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે, છોકરીની ઉંમર ૧૫ વર્ષની છે અને મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે તે પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		