૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને તપાસ શરૂ કરી
શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસે તરત જ આખું કેમ્પસ ખાલી કરાવ્યું,
બેંગલુરુ : કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ ૧૫ શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમને અત્યાર સુધીમાં કંઈ જ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે કે તે એક ફેક ઈમેલ હતો. પોલીસે વધારે શોધખોળ ચાલુ કરી દીધી છે.
ગયા વર્ષે પણ બેંગલુરુની ઘણી શાળાઓને એકસરખી ઇમેઇલથી ધમકીઓ મળી હતી, પરંતુ છેલ્લે તો બધી અફવાઓ સાબિત થઈ હતી. આ ધમકીની જાણ ત્યારે થઈ જ્યારે શાળાના સ્ટાફે સવારે તેમનો મેલ ચેક કરવા માટે તેમના ઈમેલ એકાઉન્ટ ખોલ્યા હતા. બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળા પરિસરમાં તપાસ કરી રહી છે. બોમ્બની ધમકી મેળવનારી એક શાળાએ વાલીઓને મેસેજ મોકલ્યો હતો કે, સુરક્ષાના કારણોસર બાળકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. ચિંતિત વાલીઓ તેમના બાળકોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે શાળા પરિસરની બહાર રાહ જાેતા જાેવા મળ્યા હતા.. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે બેંગલુરુની એક શાળાની મુલાકાત લીધી છે. સરકારી સમાચાર એજન્સીએ ડેપ્યુટી સીએમની મુલાકાતનો વીડિયો ફૂટેજ પણ જનતા સમક્ષ મુક્યો છે. જેમાં શિવકુમાર પોલીસ અધિકારીઓ સાથે સ્કૂલ કેમ્પસમાં હાજરી આપતા જાેવા મળ્યા છે. તે આ મામલે અધિકારીઓ સાથે વાત કરતા પણ જાેવા મળે છે. સાથે જ બોમ્બ સ્કવોડની ટીમો દ્વારા તમામ શાળાઓમાં તપાસ ચાલુ છે. શું આ ધમકીભર્યો ઈમેલ નકલી છે? આવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ અંગે સત્તાવાળાઓ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, “પોલીસ તપાસ કરશે અને મેં તેમને આમ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે અને વાલીઓએ ગભરાવાની જરૂર નથી. મેં પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવાની સૂચના આપી છે. પોલીસ વિભાગ તરફથી પ્રાથમિક અહેવાલ મળી થયો છે.” પોલીસે જણાવ્યું કે શાળાના સંચાલકોએ તરત જ પોલીસને આ મેસેજની જાણ કરી છે. ત્યારબાદ પોલીસ સેફ્ટી ટુકડીઓ સાથે સંબંધિત સંસ્થાઓમાં પહોંચી છે. પોલીસે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક શાળા પરિસરમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. જાે કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઘટનાની જાણ વાલીઓને થતાં જ તેઓ બાળકોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા.