અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મકાનમાલિકના ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતા ઘરઘાટી દ્વારા ચોરીને અંજામ આપવાના કિસ્સા વધુને વધુ પ્રકાશમાં આવતા જાય છે. જેમાં તાજા બનાવમાં, શહેરના વિજય ચાર રસ્તા પાસે રહેતા અને માનવ મંદિર પાસે દવાનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીને ત્યાં ડિલિવરી બોય કમ ઘરઘાટીનું કામ કરતો યુવક ઘરમાં રહેલા રોકડા રૂ.૧પ લાખ લઇ ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ઘરઘાટી દ્વારા ચોરીના બનાવ અંગેની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોધાતાં પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલ થિઓસોફિકલ સોસાયટીમાં સમીરભાઇ નવીનભાઇ મહેતા તેમના પરિવાર સાથે રહે છે. માનવ મંદિર પાછળ નેશનલ ફાર્મા નામની દવાની એજન્સી ધરાવે છે. તેમની ઓફિસમાં આઠ જેટલા કર્મચારી કામ કરે છે. ઓફિસમાં કામ કરતા મૂળ રાજસ્થાનનાં મુંડારા ગામનો વતની વિકાસ હીરાગરની ઓળખાણથી તેના વતનમાં રહેતા ભરત હીરાગર (ઉ.વ.રર)ને એજન્સીમાં ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યો હતો. છેલ્લાં અઢી વર્ષથી દિવસ દરમ્યાન ડિલિવરી બોયનું અને ઘરનું પરચૂરણ કામ કરતો હતો.
સમીરભાઇને ગુરુકુળ વિસ્તારમાં એક ફલેટ લેવાનો હોવાથી તેના બાના પેટે આપવાના રૂ.૧પ લાખ સ્કૂલ બેગમાં મૂકી ઘરના બેડરૂમમાં આવેલા માળિયામાં મૂક્યા હતા. ગત તા.૧૩ ઓગસ્ટના રોજ ઓફિસના કર્મચારીઓને પગાર ચૂકવવાનો હોવાથી સમીરભાઇ માળિયામાં બેગ લેવા ગયા હતા પરંતુ બેગ મળી ન હતી. બીજા દિવસે ભરતને આ બાબતે જાણ હોવાથી તેને બેગ શોધવા માટે માળિયામાં ચડાવ્યો હતો, પરંતુ તેને બેગ મળી ન હતી. દરમ્યાનમાં ભરતે નવી બાઇક, મોબાઇલ અને નવાં કપડાંની ખરીદી કરી હતી. જેથી સમીરભાઇને ભરત પર રૂ. ૧પ લાખ ભરેલી બેગ ચોરી હોવાની શંકા ગઇ હતી. આખરે સમીરભાઇએ આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.