અમદાવાદઃ સી.જી.રોડ પર આવેલા એક એપોર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી કારણ કે, જુગારીઓ તરીકે પકડાયેલા આરોપીઓમાં માલેતુજાર શખ્સોનો સમાવેશ થતો હતો. પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે ૧૫ શખ્સને જુગાર રમતા ઝડપી લીધા છે.
પોલીસે આરોપી જુગારીઓ પાસેથી કુલ મળી રૂ.સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જો કે, પોલીસના દરોડા દરમ્યાન આ કેસમાં મુખ્ય સૂત્રધાર અને ચાંદખેડામાં રહેતો વિશાલ ભટ્ટ નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને પકડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે.
પીસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવરંગપુરામાં સીજી રોડ પર આવેલા રાજયોગ એપાર્ટમેન્ટના પાંચમાં માળના ૧૦ નંબરના મકાનમાં કેટલાક આરોપીઓ જુગાર રમી રહ્યા છે. જેને પગલે પોલીસે ભારે ગુપ્તતા સાથે ઉપરોકત સ્થળે દરોડા પાડયા હતા અને ફલેટમાંથી જુગાર રમતાં ૧૫ આરોપીઓને તીન પત્તી જુગાર રમતા ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ પાસેથી ૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસનો એક સૂત્રધાર ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧,૨૨,૩૦૦ તથા દાવના ૮૩ હજાર મળી કુલ રૂ.૨,૦૫,૩૦૦ તથા રૂ.૨,૦૬,૫૦૦ની કિંમતના ૧૫ મોબાઈલ, રૂ.૨,૯૦,૦૦૦ કિંમતના ત્રણ ટૂ વ્હીલર અને એક ફોર વ્હીલર સહિત કુલ રૂ.૭,૦૧,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બોપલની સ્ટ‹લગ સીટીમાં રહેતો અમરીશ પટેલ અને ચાંદખેડામાં રહેતો વિશાલ ભટ્ટ બંને ભાગીદારીમાં આ જુગારધામ ચલાવતા હતા. બોડકદેવ સિંધુભવન પાછળ રહેતા જયંતિભાઇ પટેલનું આ મકાન હતું અને ભાડા વગર તેઓએ મિત્રોને બેસવા માટે આ ફલેટ આપ્યો હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. ઝડપાયેલા આરોપીઓ પૈકી સાત બોપલના રહેવાસી છે. આરોપીઓ ચાર દિવસથી જુગાર રમવા આવતાં હતા. આગામી મહિનામાં શ્રાવણ માસ શરૂ થવાનો છે તે પહેલાં જ પોલીસે જુગારધામનો પર્દાફાશ કરી સપાટો બોલાવી દીધો છે અને જુગારી તત્વોને સંદેશો પાઠવી દીધો છે કે, પોલીસ ગમે ત્યારે તેમના જુગારધામ પર ત્રાટકી શકે છે.