ભાજપા ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને આકાંક્ષા પર ખરી ઉતરશે – શ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભાજપાનો વિજયરથ આગળ વધી રહ્યો છે. આજે આવેલ પરિણામોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની જનતાએ ભાજપાની લોકકલ્યાણની પ્રજાલક્ષી નીતિઓમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો.
શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ૨૨ વર્ષના સુશાસન પછી ફરી ગુજરાતની જનતાએ અમને સતત છઠ્ઠીવાર સમર્થન આપીને એકવાર ફરી સેવા કરવાનો મોકો આપ્યો છે તે બદલ ગુજરાતની જનતા જનાર્દનને લાખ- લાખ અભિનંદન. ભાજપાની સરકાર ગુજરાતની વિકાસયાત્રાને અવિરતપણે આગળ લઇ જશે અને જનતા જનાર્દનની આશા, અપેક્ષા અને આકાંશા પર ખરી ઉતરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનની શ્રી નરેન્દ્રભાઇ મોદી પર દેશ અને ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ વ્યકત કર્યો છે, ગુજરાતમાં અમારી મતની ટકાવારી વધી છે અને જનતાએ મોદીજીની નીતિઓ પર સમર્થનની મહોર લગાવી દીધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની વ્યૂહ રચના અને માર્ગદશન થકી ગુજરાતમાંથી વંશવાદ, જાતિવાદ અને તૃષ્ટીકરણની રાજનીતિને જાકારો આપવામાં અમે સફળ થયા છીએ અને ગુજરાતની પ્રજાએ ફરી એકવાર વિકાસવાદ પર પોતાની મહોર મારી છે. કોંગ્રેસે જુઠાણા ફેલાવ્યા હતા અને નિમ્ન કક્ષાની રાજનીતિ ગુજરાતમાં કરી હતી તેને ગુજરાતની શાણી-સમજુ પ્રજાએ જવાબ આપી દીધો છે.
શ્રી રૂપાણીએ ભાજપાના લાખો દેવતુલ્ય કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ બદલ લાખ-લાખ અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યકત કર્યો હતો. શ્રી રૂપાણીએ જણાવ્યું કે, આવનારા પાંચ વર્ષોમાં ભાજપા વિકાસની અવિરત યાત્રાને હજુ ખૂબ આગળ લઇ જશે અને સમાજના તમામ વર્ગો અને ક્ષેત્રોનો “સૌનો સાથ સૌનો વિકાસ“ મંત્ર સાથે વિકાસયાત્રામાં સહભાગી બનીને દિવ્ય ગુજરાત અને ભવ્ય ભારતની સંકલ્પનાને સિધ્ધ કરવા કટબધ્દ્વ બનશે. ગુજરાતને દેશને ગુજરાત મોડેલ રજુ કરીને વિકાસના જે દિશાદર્શન કરાવ્યા છે તેમાં હજુ પણ ઉત્તરોતર પ્રગતિ થાય તે માટે સતત કાર્યશીલ રહી વિકાસની નવી ઊંચાઇએ ગુજરાતને લઇ જવા કટિબધ્ધ બનશે.