“નવયુવાનો કૌશલ્યો, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા થકી ભારતને વિશ્વની શ્રેષ્ઠ ઈકોનોમી બનાવે” – માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન
અર્વાચીન અને પ્રાચીન વૈદિક પરંપરા સાથે ચારૂસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારંભ યોજાયો: કુલ 2728 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત: 44 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત : 44 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી પ્રદાન
મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાને દિક્ષાંત પ્રવચન આપ્યું
ચાંગા: નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જેની ગણના ગુજરાતની શ્રેષ્ઠ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવેશ કરવામાં આવેલ છે તેવી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) નો 13 મો પદવીદાન સમારોહ 6 જાન્યુઆરી, 2024 ના રોજ કેમ્પસમાં યોજાયો હતો. સમારોહના મુખ્ય અતિથી તરીકે ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. કેન્દ્રીય મંત્રી તરીકે તેઓ દેશના યુવાનોના શૈક્ષણિક અને સાર્વત્રિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે તેમજ નવી શિક્ષણનીતિ હેઠળ રોજગાર અને કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મુકી રહ્યા છે. તેમની લીડરશીપ હેઠળ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વેગવાન બનેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ ‘સ્કિલ સાથી કાઉન્સેલિંગ સ્કીમ’ સફળતાપૂર્વક કાર્યરત છે જેનો લાભ દેશના લાખો યુવાનો લઇ રહેલ છે. તેઓએ ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકેના કાર્યકાલ દરમિયાન ઘણા પ્રગતિશીલ સુધારાઓ કરેલા હતા જેમાં PAHAL જેવી ઉપભોક્તા પહેલનો સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે અને #GiveItUp ઝુંબેશ કે જેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્સાહપૂર્વક સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં સમૃદ્ધ નાગરિકોને જરૂરિયાતમંદો માટે તેમની એલપીજી સબસિડી સોંપવા વિનંતી કરવામાં આવી હતી જેમાં લગભગ 10 મિલિયન ગ્રાહકો તરફથી સફળ પ્રતિસાદ મળ્યો હતો.
આ પદવીદાન સમારોહમાં કુલ 2728 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 44 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 23 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ હતા. જ્યારે કુલ 44 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત થઇ હતી. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 323, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 304, ફેકલ્ટી ઓફ સાયન્સના 297, ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 516, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1130 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં ડિપ્લોમા 34, પોસ્ટ ગ્રેજયુએટ 628, અંડર ગ્રેજયુએટ 2021 અને પી. એચ. ડી. 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના 44 ગોલ્ડમેડલ આપવામાં આવ્યા હતા.
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય અતિથિ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ચારૂસેટ અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ તેમજ સમારોહ અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ,ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શામિયાણાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું. શરૂઆતમાં પરંપરા મુજબ ઈશ્વર આરાધના કરવામાં આવી હતી. ત્યાર બાદ ચારુસેટ યુનીવર્સીટી એન્થમ રજૂ થયું હતું.
પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાયે સૌપ્રથમ મંચસ્થ મહાનુભાવો તથા આમંત્રિત સર્વેને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ તેમણે વાર્ષિક અહેવાલ રજૂ કરી ચારુસેટ યુનિવર્સીટીમાં વર્ષ દરમિયાનની શિક્ષણ, સંશોધન, અને નવીનકરણની પ્રવૃતિઓ વિષે માહિતી પૂરી પડી હતી.ત્યારબાદ અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા પદવીદાન સમારોહને ખુલ્લો મુકતા વિવિધ વિદ્યાશાઓના ડીને વિદ્યાર્થીઓને પદવીઓ આપવા માટે પ્રસ્તુત કર્યા હતા જેનો ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા સ્વીકાર કરાતાં વિદ્યાર્થીઓને પદવીઓ અર્પણ કરવાની મંજુરી મળતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ, અને મહેમાનોમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.
પરંપરાના ભાગરૂપે રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ પદવીધારક વિદ્યાર્થીઓ તેઓના મૂલ્યો, જ્ઞાન, અને કૌશલ્યો થકી રાષ્ટ્ર અને સશક્ત સમાજના નિર્માણ માટે બહુમૂલ્ય યોગદાન આપે એ ઉદેશ્યથી ‘ઓથ સેરેમની’ યોજાઈ હતી.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાને દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રાસંગિક ઉદબોધનની શરૂઆતમાં લોખંડી પુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી ચરોતર પ્રદેશને ‘ગોલ્ડ માઈન’ અને ચારૂસેટ યુનિવર્સીટીને ‘જ્ઞાનની કેપિટલ’ ગણાવી હતી. તેઓએ યુનિવર્સિટી ખાતે કાર્યરત શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે ચારૂસેટમાં રોજગારસર્જન માટે યોગ્ય માહોલ છે જે વિદ્યાર્થીઓને ભવિષ્યના ગ્લોબલ લીડર બનાવશે. તેઓએ ઉપસ્થિત સર્વે પદવીધારકોને સંશોધન, કૌશલ્યો, ભાષા પ્રભુત્વ, ઉદ્યોગસાહસિકતા થકી ભારતને ડેવલપ ઈકોનોમી બનાવવા માટે યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેઓએ ગુજરાતના મિલ્ક રિવોલ્યુશન, કો-ઓપરેટીવ મૂવમેન્ટ, શિક્ષણ, અને વિવિધ સુવિધાઓની પ્રશંસા કરી હતી. ભારતને ગ્લોબલ લીડર બનાવાવમાં ગુજરાતે આપેલા યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
દિક્ષાંત પ્રવચન બાદ મુખ્ય મંચ પરથી જ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ડિગ્રી અને ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.અધ્યક્ષસ્થાનેથી શ્રી સુરેન્દ્રભાઈ પટેલે પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સફળ કારકિર્દી ઘડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ પદવીધારકોને ગ્લોબલ વિઝન રાખી ‘વિઝન 2047 – ફ્યુચર રેડી ઈન્ડિયા’ માં યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેઓએ પદવીધારકોને કર્તવ્ય, ધર્મ, અને સ્વ-અનુશાસન સાથે લક્ષ્ય પર ઘ્યાન કેન્દ્રિત કરી, પરિવર્તન સ્વીકારી, પોતાના સકારાત્મક અને પરિવર્તનશીલ વિચારો અને કૌશલ્યો થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો.
આભારવિધિ રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે કરી હતી ત્યાર બાદ રાષ્ટ્રગાન રજૂ થયું હતું.સમારોહમાં દ્વિતીય તબક્કામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મંચ પરથી જ મહેમાનોના હસ્તે વાલીઓ અને અધ્યાપકોની હાજરીમાં પદવીઓ એનાયત કરવામાં આવી હતી.