અમદાવાદના સંચાલન માટે ૧૩૭ વર્ષ પૂર્વે ૩૦ કમિશનરની નિમણૂક કરાઈ હતી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

૧૧ નવેમ્બર ૧૮૫૬માં અમદાવાદના સંચાલન માટે ૩૦ કમિશનરની નિમણૂક કરાઈ હતી. જો કે, આ કમિશનરોના વહીવટથી કંટાળી લોકોએ ૧૮૭૪માં ચૂંટણીની માગ કરી હતી. જે ૧૧ વર્ષ પછી ૧૮૮૫માં સ્વીકારાઈ હતી અને ૧૩૭ વર્ષ પૂર્વે રાજ્યમાં સૌથી પહેલી ચૂંટણી અમદાવાદમાં યોજાઈ હતી. ઈતિહાસવિદ રિઝવાન કાદરીના જણાવ્યા અનુસાર, શહેરની આ પહેલી ચૂંટણીમાં ૮ ઉમેદવારને એક પણ મત મળ્યો ન હતો. જ્યારે ૬ ઉમેદવારને એક-એક મત મળ્યા હતા. હેરિટેજ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મ્યુનિ.એ હેરિટેજ હોલ ખાતે ચૂંટણીને લગતું એક વિશેષ પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે.

ઈતિહાસવિદ રિઝવાન કાદરીના જણાવ્યા અનુસાર, ૧૫ ઓગસ્ટ ૧૮૮૫એ યોજાયેલી ચૂંટણીમાં ૭ વોર્ડ અને ૧૪ બેઠક હતી. તે સમયે શહેરની વસતી માત્ર ૧.૨૫ લાખ હતી અને ફક્ત ૧૯૧૪ મત વેલિડ ઠર્યા હતા. કાળુપુરની બે બેઠક માટે ૭ ઉમેદવાર હતા તો શાહપુરની એક બેઠક પર બેચરદાસ લશ્કરી સામે કોઈએ ઉમેદવારી કરી ન હતી. કમિશનર રાજથી કંટાળી અમદાવાદીઓએ એક આવેદનપત્રમાં ચૂંટણી યોજવાની માગણી કરાઈ હતી. ૧૮૮૫માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં પણ મતદારોને ખરીદવા માટે ઉમેદવારો આગલી રાત્રે રૂ. ૫ રોકડ આપતા હતા. તો મતદારોને લાવવા લઇ જવા ઘોડાગાડીની સગવડ અપાતી, દારૂની મહેફિલો,કપડા, ભોજન સમારંભો યોજાતા. ઉમેદવારોના ટેકેદારો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ ચૂંટણી જ લોહિયાળ સાબિત થઇ હતી.

Share This Article