દેશના ૧ર શહેરોની ‘હ્રદય’ યોજનામાં દ્વારકા પસંદગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્કૃતિક ચેતના કેન્દ્ર સમા ૧ર શહેરો-તીર્થધામોની હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ એગમેન્ટેશન યોજના -‘હ્રદય’ તહેત માળખાગત સુવિધા અને પ્રવાસીઓની સુવિધા-સુખાકારી વૃધ્ધિ માટે પસંદગી કરી છે. ગુજરાતના એકમાત્ર તીર્થસ્થાન દ્વારિકાનો આ યોજનામાં સમાવેશ થયો છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી ગુરૂવાર  ર૪ મે એ સુપ્રસિધ્ધ તીર્થધામ દ્વારકામાં બેટ દ્વારકામાં રૂ. ૧૪.૪૩ કરોડના યાત્રાળુ સુવિધા કામોનો પ્રારંભ કરાવશે.

તદ્દઅનુસાર મુખ્યમંત્રી આવતીકાલે બપોરે ૩ કલાકે આ યોજના અંતર્ગત બેટ દ્વારકામાં મહત્વના પવિત્ર અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે સમગ્રતયા રૂ. ૧૪.૪૩ કરોડના કામોનો પ્રારંભ કરાવવાના છે. આ પૂર્વે  વિજયભાઇ રૂપાણી દેવભૂમિ દ્વારકાના બરડીયામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત શ્રમદાનમાં જોડાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે દ્વારકા શહેરમાં ‘‘હ્રદય’’ યોજના અંતર્ગત રૂા. ૧પ કરોડના વિકાસકામો હાલ કાર્યન્વિત છે.

સમગ્ર દ્વારકા શહેરને પાંચ ઝોનમાં વહેચીને જાહેરમાર્ગનું વિસ્તૃતિકરણ અને નવિનકરણ, સુવિધાસભર ફુટપાથ, પબ્લીક એડ્રેસ સીસ્ટમ અને સીસીટીવીની સુવિધા સાથેની એલઇડી રોડ લાઇટીંગ, ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર, સુવિધાસભર ટોયલેટ બ્લોક, શહેરમાં વિવિધ સ્થળોએ પ્રવાસી બેઠક વ્યવસ્થા જેવા માળખાગત સુવિધાઓના કામ આ યાત્રાધામમાં પ્રગતિમાં છે.

‘‘હ્રદય’’ યોજનાનો ઉદેશ માત્ર ભૌતિક સુવિધાઓ વધારવા પુરતો સીમીત નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને સંસ્કૃતિક વારસો, પરંપરાગત કલાઓની જાળવણી અને સંવર્ધનનો પણ છે. આ દિશામાં દ્વારકા નગરપાલિકાએ છેલ્લા ૧ વર્ષમાં ર વખત ગોમતી ઘાટ ક્રાફટમેળાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું.

ગયા વર્ષે જન્માષ્ટમીના પર્વે ભગવાનશ્રી કૃષ્ણની જીવનલીલાઓ અને સાંસ્કૃતિક વારસાને કેન્દ્રમાં રાખતી રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યુ હતુ.             ઓરીસ્સાની માફક ગુજરાતના વિશાળ દરીયા કિનારે પણ રેતશિલ્પની કલા વિકસે તેવી પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના સાકાર કરવા જન્માષ્ટમી પર્વે ગોમતીઘાટે માત્ર દરીયાની રેતીથી જગતમંદીરની આબેહુબ પ્રતિકૃતી તૈયાર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી આ વિકાસકાર્યો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૂપોષણમુક્તિના સંદેશ સાથે જિલ્લા વહિવટીતંત્ર પ્રેરિત ‘કાન્હાનું કામ, દૂધનું દાન’ અભિયાનનો પણ પ્રારંભ કરાવશે.

Share This Article